પૃષ્ઠ:Kanchan Ane Geru.pdf/૧૦૨

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૯૪ : કાંચન અને ગેરુ
 

બિનઓળખીતાઓ હું જોઈ શક્યો. હું એક વિજયી સેનાપતિનું માન પામતો હતો – વિજય મેળવ્યા વગર ! સંખ્યાબંધ ફૂલહાર મને થયાં; મારો જય પોકારાયો; મને નિહાળવા માટે ગજબ ભીડ જામી; છોકરીઓએ કંકુના ચાંદલા મને કર્યા અને સ્વયંસેવકોએ મને સલામી આપી; છબી પાડનારાઓએ ચારે પાસેથી મારી સામે કેમેરા તાક્યા, અને ભણતર ભૂલી વિદ્યાથીવિદ્યાર્થિનીનાં ટોળાંએ મારા હસ્તાક્ષર મેળવવા મોરચા રચ્યા. મને નવાઈ લાગી કે આ બધું મને શા માટે? મારા સરખા પરાજિતને આવું માન ન હોય. અને મને માન મળતું હોય તો માનની કિંમત અતિ સોંઘી ગણાય ! નેતાઓને મળતાં માનની પોકળતાનો મને ખ્યાલ આવ્યો, અને મને અપાતા માનથી દિલગીરી થઈ.

દિલગીરી થાય કે ન થાય; લોકભાવનાને વશ થવું જ જોઈએ ! સાથે સાથે એ પણ વિચાર આવ્યો કે આજે ફૂલહારથી ગળાને ભરી દેતી જનતા એટલી જ સહેલાઈથી ડોક ઉપર છરી પણ ફેરવે ખરી !

પરંતુ નિરુપમા ક્યાં? ઘેર ગયો ત્યાં પણ વધારે ઓળખીતાઓ અને નજીકનાં સગાંવહાલાંએ મને ઘેરી લીધો ! વાત પુછાય, સુખદુઃખના અનુભવના વર્ણનની માગણી થાય, એની એ વાત પુનરાવર્તિત બને અને છતાં મારી આંખ નિરુપમાને શોધતી જ રહે. ક્ષણભર નિરુપમાની રૂપવીજળી મારી આંખ સામે ઝબકી અદૃશ્ય થઈ. નિરુપમાએ પોતાનું માત્ર અસ્તિત્વ દર્શાવવા પૂરતો એ ઇશારો કરી લીધો, અને હું આખો દિવસ અને મધ્યરાત્રિ પર્યંત મારા હિતસ્વીઓ અને વખાણનારાઓની વચ્ચે બંદીવાન બની રહ્યો !

મને લાગ્યું કે મારે આજ ને આજ નિરુપમાને લઈ કોઈ અંગત જંગલ કે પહાડમાં ભાગી જવું જોઈએ !