પૃષ્ઠ:Kanchan Ane Geru.pdf/૧૦૭

વિકિસ્રોતમાંથી
Jump to navigation Jump to search
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
ઘુવડ ૯૯
 

એ મૃત્યુવાહિની બંદૂકને હસી રહ્યો દેખાયો. ક્ષણમાં ગોળી છૂટી તેના ફૂરચા ઊડી જાત ! પરંતુ નિરુપમાનો કંઠ મારે કર્ણે પડ્યો અને એનો હાથ મારી બંદૂકને ખસેડી રહ્યો.

'રહેવા દો.'

'કેમ ?' મેં પૂછયું.

'બે ઘુવડ છે, એક નહિ.' નિરુપમાએ કહ્યું.

'હું બન્નેને મારીશ.'

'બે હોય તેમને તો મરાય જ નહિ !'

'શા માટે નહિ ?' મારી હિંસા તીવ્ર બનતી જતી હતી.

'પાપ લાગે.'

‘ભલે પાપ લાગે. હું આજે એ બન્નેને વીંધી નાખું છું.'

'રામાયણની શરૂઆત કેમ થઈ તે જાણો છો ?'

'તું એ ઘેલી થઈ કે શું ? રામાયણને અને ઘુવડ મારવાને શો સંબંધ ? '

'બેમાંથી એક ક્રૌંચને પક્ષીને મારતાં એવું રામાયણ રચાયું કે સીતા સદા વિયોગિની જ રહી.'

'પણ તું કહે છે શું ? સમજાય એવું તો બોલ?'

'એકે ક્રૌંચને માર્યું ન હોત તો રામસીતાની કથામાં વિયોગ આવત જ નહિ.'

નિરુપમા ઘેલી બનતી હતી કે કાંઈ ન સમજાય એવી ગૂઢ પયગંબરી વાણી બોલતી હતી તે મારાથી નક્કી થઈ શક્યું નહિ.

'ક્રૌંચને, રામસીતાને અને અપશુકનિયાળ પક્ષીના મૃત્યુને સંબંધ શો ? તારું મન ઠેકાણે છે ને ?'

'હા. તમારા કરતાં વધારે ઠેકાણે.'

'ચાલ, પેલા બે પક્ષીઓને ઠેકાણે કરી હું તને સુવાડી દઉં.'

'હું પક્ષીઓને મારવા નહિ દઉં.' આગળ નિરુપમા બોલી.

મને નિરુપમા ઉપર સહેજ ચીઢ ચઢી. મેં તેને જરા ખસેડી