પૃષ્ઠ:Kanchan Ane Geru.pdf/૧૧

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
છેલ્લી વાર્તા : ૩
 

એની પત્નીનું નામ એણે જ આશ્લેષા પાડ્યું હતું. પતિ–પત્ની પરસ્પપરને બહુ જ જુદી દ્રષ્ટિથી નિહાળે છે. બંન્નેનાં એક બની ગયેલાં જીવન તદ્દન નવી જ સૃષ્ટિ રચે છે. નવીન સૃષ્ટિમાં પ્રવેશ નવીન નામ આપ–લે એ બહુ સ્વાભાવિક કહેવાય. પત્નીને તો સુનંદનું નામ ગમ્યું હતું એટલે એ બદલવાની તેને ઈચ્છા થઈ જ નહિ. આશ્લેષા સુનંદને બહુ ગમતી હતી, સુનંદ આશ્લેષાને બહુ ગમતો હતો.

કવિઓ અને સાહિત્યકારો પરણે છે પણ ખરા. એ નવાઈ ઉપજાવતો વર્ગ જે કાંઈ કરે તે નવાઈ ઉપજાવતું જ બની જાય ! રખે કોઈ એમ માને કે લગ્નની સામાન્યતા કવિઓનાં લગ્નને પણ સામાન્ય બનાવતી હશે. સહુ કોઈને ખાતરી જ હતી કે આ કવિ સુનંદ અને લાવણ્યવતી આશ્લેષાનું લગ્ન કઈ નવાઈભર્યા જીવનની આગાહી આપતું હતું. સુનંદ શબ્દોના સૌન્દર્યમાં આશ્લેષાના જીવનની આસપાસ સ્વર્ગ રચશે; આશ્લેષા સૌંદર્યનું સતત વાતાવરણ સરજી સુનંદને અનેક સ્વર્ગો રચવાની સમૃદ્ધિ આપશે એવી માન્યતા પરસ્પરને તેમ જ સુનંદના પ્રશંસકોને પ્રસન્ન કરી રહી હતી.

પછી તે કવિહૃદય એટલું ખીલ્યું કે તેની શબ્દસ્વર્ગ–રચનાને નોકરીનું જડ કામ રોધવા લાગ્યું. તેણે નોકરીને લાત મારી, પરંતુ તે કલામય રીતે – જેમ પ્રાચીન નાટકોની નાયિકાઓ દોહદક્રિયા કરતી હતી તેમ ! પદ્મિનીની લાત પુષ્પરહિત વૃક્ષવેલીને એકાએક કુસુમિત બનાવી દે છે. સુનંદને પણ નોકરીનો ત્યાગ અનેક કાવ્યવાર્તા-કુસુમોનો સર્જક નીવડ્યો. સાથેસાથે કોઈ પણ ગુજરાતી સાહિત્યકારને પ્રાપ્ત ન થયો હોય એવો આર્થિક લાભ પણ તેને થવા લાગ્યો.

'જો, આશ્લેષા ! આ કવિતા. હજી આ કલ્પના જગતભરના કોઈ કવિને આવી નથી.' સુનંદે કહ્યું.

'પણ આ ચા ઠંડી પડી જાય છે. પીધા પછી વાંચો તો ?'