પૃષ્ઠ:Kanchan Ane Geru.pdf/૧૧૦

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૧૦૨ : કાંચન અને ગેરુ
 

એ વ્યક્તિને નામ શું આપી શકાય ? અણગમતાં થઈ પડેલાં જૂનાં નામ પણ એને આપી શકાય અને નવી નક્કર નવલકથાના નાયકને શોભે એવું નામ પણ આપી શકાય. જૂના નવા બન્ને તફાને ઘટતું, ગમે એવું નામ આપણે એને આપી શકીએ અને એ મારવાડી સ્વાંગ ધારણ કરે તો આપણે એને કિશોરીમલ કહીએ, એ ગુજરાતી સ્વાંગ ધારણ કરે તો કિશોરલાલ કહીએ અને એ મદ્રાસી બની જાય તો એને કિશોરીરંગમ ચેટ્ટી કહીએ ! નરસિંહ મહેતાની ભાષામાં એ ત્રણેને “એક તું ! એક તું ! એમ કહેવું !'

આપણે માટે ગુજરાતી કિશોરલાલ બસ થઈ પડશે. એ વ્યક્તિનું શુભ નામ કિશોરલાલ. યુદ્ધ પહેલાં એમને કિશોર કાંધિયો કે કિશોર ખાંધિયો સહુ કહેતાં. કાંધા કરવાના શોખને લીધે કે કોઈના પણ ઉપયોગી ખાંધિયા થઈ પડવાને લીધે એ અટક પડી ગઈ હોય ! એમની જાત મહેનતનાં વખાણ તરીકે પણ તેમને ખાંધિયા કહેતા હોય એવો પણ એક મત છે. ખાંધે ગાંસડી ઉપાડતાં એમને જરા ય શરમ આવતી નહિ – એક વખતે !

તો હવે એમને કિશોરલાલ 'કસુમ્બી' તરીકે સંબોધવામાં આવે છે. કસુમ્બો પીવાનો ચાલ હવે લગભગ બંધ થઈ ગયો છે. એટલે અફીણના વ્યસનને અને એ અટકને કશો સંબંધ ન જ હોય એમ ન્યાયને ખાતર આપણે કહેવું જોઈએ. છતાં આંખનો કસુમ્બી રંગ આપવા માટે કસુમ્બો જ પીવો એવો કાંઈ નિયમ નથી. જેમ જેમ કિશોરલાલે ધનિકતામાં આગળ પગલાં ભરવા માંડ્યાં, તેમ તેમ તેમની આંખે કસુમ્બલ રંગ ધારણ કરવા માંડ્યો એમ પણ એક અભિપ્રાય છે. હડહડતા વૈષ્ણવ તરીકે પોતાને ઓળખાવી ચૂકેલા કિશોરલાલ કેટલા ય ગૃહસ્થોને 'બાર' અને 'હોટેલ'માં મળેલા એમ એક કથની છે પણ ખરી. નૂતન ધનને, સંસ્કારને અને નૂતન