પૃષ્ઠ:Kanchan Ane Geru.pdf/૧૧૧

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
રખવાળ: ૧૦૩
 

વિદ્યાને મદ્યમાંસ સાથે ગાઢ સંપર્ક બંધાતો જાય છે એ સત્યને હવે પુરાવાની જરૂર નથી જ. નૂતન ધન એવા કોઈ સંપર્કદ્વારા કિશોરલાલની આંખને રતાશ આપે એમાં કાંઈ નવાઈ નથી. વધારામાં એકાદ જૂના ગીતનો પણ ઉલ્લેખ એમની અટક સંબંધમાં થતો :

કહાં જગે સારી રેન ?
નયનાં કસુમ્બી રંગ હો ગયે !

કિશોરલાલને ઘણાં જાગરણ થતાં હતાં માટે એમની આંખે કસુમ્બી રંગ ધારણ કર્યો હોય ! ક્યાં અને શા માટે જાગરણ થતાં એ હવે ક્લબમાં જઈ નાચતી ગુજરાતણોના યુગમાં પૂછવાની જરૂર નથી. ક્લબ સિવાય, દેવમંદિર સિવાય પણ ઉજાગરા માટે સર્જનજૂનાં સ્થાન નિર્માણ થઈ ચૂકેલાં છે. કિશોરલાલના ઉજાગરાનું કારણ કોઈએ ચોક્કસ કર્યું નથી. પરંતુ નવિન ધન ધનિકોને જાગરણ માટે ઠીકઠીક સ્થાનો આપે છે એની ના પડાય એમ નથી – એકેએક શહેરમાં !

સાચામાં સાચું કારણ તેમનો રંગવ્યાપાર પણ હોય. અનેક ધંધાઓમાં રંગનો અને તે રાતા રંગનો ધંધો પણ કરતા હતા એ કારણે તેમને કસુમ્બી અટક મળી હોય એમ પણ બની શકે. કિશોરલાલ પોતે પણ પોતાને 'કિશોર કસુમ્બી' તરીકે જ ઓળખાવતા. પોતાનાં વિઝિટિંગ કાર્ડ ઉપર પણ એ જ નામ છપાવતા અને પોતાના મકાન-બંગલાને દરવાજે પણ 'કિશોર કસુમ્બી'નું જ નાનકડું, રૂપાળું પાટિયું લગાડી એ નામ તેમણે ક્યારનું સ્વીકારી લીધું હતું. ધનિક જગતમાં કિશોર કસુમ્બીનું નામ સુપ્રસિદ્ધ હતું; ઘણી કંપનીઓના ડાયરેક્ટર તરીકે તેમના નામની માગણી થતી; ઘણી ઘણી સભાઓમાં તેમને આમંત્રણ મળતાં; અને ગરીબ જનતાનાં દુઃખ ટાળવા માટેની સરકારી બિનસરકારી મંત્રણાઓમાં આ તવંગરની સલાહ બહુ ઉપયોગી ગણાતી હતી. ગરીબો માટે બે આંસુ ટપકાવી ગદ્દગદ કંઠે તેમનાં દુઃખે દુઃખી થવાની ગાંધીદીધી લઢણ