પૃષ્ઠ:Kanchan Ane Geru.pdf/૧૧૨

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૧૦૪ : કાંચન અને ગેરુ
 

તેમને હાથ ચઢી ગઈ હતી. આમ યુદ્ધયુગે દીધેલી વ્યક્તિ તે આ કિશોરલાલ કુસુમ્બી.

કિશોરલાલનાં પહેલાં પત્ની ગુજરી ગયાં હતાં. ગુજરાતી ગૃહિણીઓને પહેલી પત્ની કરી કે ગુજરી જવાની ભારે આદત લાગે છે. કદાચ એવા કોઈ વહેમને વશ થઈને જ આજની ભણેલી યુવતીઓ બહુ પત્નીત્વ, અરે, લગ્ન વિરુદ્ધનાં લાંબાં સંભાષણો કરી બીજી પત્ની તરીકે બહુ સરળતાપૂર્વક કોઈ પતિને ઘેર પેસી જાય છે – પહેલી પત્નીના ગુજરવાની રાહ પણ જોયા વગર. પરંતુ કિશોરલાલ પોતાની પહેલી પત્ની ગુજરી ગયા પછી જ – તે બદલ પોતાનું દુઃખ પ્રદર્શિત કર્યા પછી જ – બીજાઓના આગ્રહને વશ થઈ – ફરી વાર પરણ્યા હતા. તેમનાં નવીન પત્ની રૂપાળાં હતાં. પુરુષને ઘણું ખરું સ્ત્રી રૂપાળી જ લાગે છે ! પત્નીનું નામ મહાકોર હતું તે બદલી કિશોરલાલે એ નામ મહાશ્વેતા બનાવી દીધું –મહાશ્વેતા કાદંબરીનું નાટક જોયા પછી એ નામ કે એ પાત્ર ગમી ગયું હોય એ કારણે !

રૂપાળાં મહાશ્વેતા ધનિક કિશોરલાલનાં પત્ની બની ગયાં એટલે રૂપમાં વધારો કરવાના સાધનો પણ તેમને સારા પ્રમાણમાં મળી રહ્યાં. રૂપ વધારવાનું જ્ઞાન પણ ક્રમે ક્રમે વધે છે. અને જેમ જેમ વય વધતી આવે છે તેમ તેમ એ જ્ઞાનનો ઉપયોગ પણ વધતો જ ચાલે છે. મહાશ્વેતા સહુનું ધ્યાન ખેંચાય એવા રૂપાળાં બનતાં ગયાં. તેમનો પહેરવેશ, તેમનાં આભૂષણ, તેમનું ચાપલ્ય અને તેમની છટા એવાં તો આંખે ઊડીને વળગે એવાં બની ગયાં કે બે 'બાબા' અને બે 'બેબી' નું માતૃત્વ અત્યંત ઝડપથી પ્રાપ્ત કર્યા પછી પણ તેઓ મેઘધનુષ્યવીંટી ચંદ્રિ સરખાં જ ઘરમાં તેમ જ બહાર લાગ્યા કરતાં. અલબત્ત તેમને સાદાઈ માટે ભારે પક્ષપાત હતો, અને તેથી તેઓ પોતે અત્યંત સાદા રહે છે એમ સર્વદા જાહેર કરતાં.