પૃષ્ઠ:Kanchan Ane Geru.pdf/૧૨૪

વિકિસ્રોતમાંથી
Jump to navigation Jump to search
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૧૧૬ : કાંચન અને ગેરુ
 

ડૉક્ટરને આપ્યો, ન પોલીસને. માતાએ અસ્થિર માનસને પરિણામે આમ કર્યું હોય એવો બચાવ કદાચ થઈ શકે. પરંતુ જેમ જેમ તેનામાં શક્તિ આવતી ગઈ તેમ તેમ તેની વાત જાણવા, મંથન કરતા સહુ કોઈને ખાતરી થઈ ગઈ કે બીજું તો જે કાંઈ હોય તે ખરું પણ સ્ત્રીનું માનસ અસ્થિર હતું જ નહિ, ને બાળકનું ખૂન જાણી વિચારીને તેણે કર્યું હતું. આવી નિર્દય સ્ત્રી ગમે એટલી દેખાવડી હોય કે કુમળી દેખાતી સ્ત્રીજાતિની હોય, છતાં તેને ન્યાયની અદાલતમાં જરૂર ખડી કરવી જોઈએ ! વર્તમાનપત્રોમાં એ બાઈ વિષે કાંઈ કાંઈ પતંગો ચગી ચૂક્યા. એની તબિયત સુધરી એ હરી ફરી શકે એવી સ્થિતિમાં આવી; એનું મન 'ખેંચાણ' વેઠી શકશે એવી ડૉકટરોએ ખાતરી આપી: એટલે પોલીસે એ બાઈનો હવાલો લીધો. ફાંસીને લાયક દેહ બનાવીને પછી જ ફાંસી આપી શકાય એવી આપણી ન્યાયયોજના જાણીતી છે. પોલીસે એ બાઈને અદાલત આગળ અંતે ઊભી કરી.

દવાખાના જેટલો જ ઉશ્કેરાટ ન્યાયની કચેરીમાં ફેલાઈ ગયો. બાઈને કોઈ વકીલની જરૂર ન હતી, છતાં આપણી ન્યાયપદ્ધતિ આ ભાડૂતી યોદ્ધાઓ વગર કોઈનો ન્યાયપ્રવેશ સ્વીકારતી જ નથી. સરકારખર્ચે એક વકીલની તેને મદદ મળી. પરંતુ પોલીસે બનાવેલા કાગળો સિવાય વકીલને પણ એ બાઈએ કશી હકીક્ત કહી નહિ. ગુનાની કબૂલાત તો તે કરતી જ હતી. પરંતુ ગુનાનું કારણ આપવાની તેણે ઘસીને ના પાડી. બહુ આગ્રહ થતાં તેણે કહ્યું કે એ પ્રશ્નનો જવાબ પોતે છેલ્લે આપશે. ન્યાયાધીશ ના ઇલાજે કામ આગળ ચલાવ્યું. શાંતિથી પિંજરામાં ઊભાં ઊભાં તે સાક્ષીઓની હકીકત સાંભળતી હતી. એ હકીકતમાંથી એટલું તત્ત્વ પ્રગટ થયું કે એ બાઈ પરદેશી હતી; કોઈ ભલો માણસ તેને દવાખાને ઉતારી