પૃષ્ઠ:Kanchan Ane Geru.pdf/૧૨૭

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
બાલહત્યા : ૧૧૯
 


'ઈશ્વર અદશ્ય થઈ ગયો છે. હોય તો એ શયતાન હોવો જોઈએ. એને માથે રાખ્યા વગર પણ હું સાચું જ કહીશ.'

સોગન ઉપર લેવાના અગર ન લેવાના જવાબ આ રીતે લેવાય કે કેમ એ બદલ બન્ને પક્ષના વકીલો વચ્ચે લાંબી તકરાર જામી, અને એક ગુણ ભરાય એટલી ચોપડીઓના ઉલ્લેખ વંચાયા. અંતે એમ ઠર્યું કે નાસ્તિકને પણ ન્યાય તો મળવો જ જોઈએ. પ્રતિજ્ઞા ઉપર કહે અગર ન કહે એ લેખી શકાય; પછી ભલે તે ઈશ્વરમાં ન માને ! અને ઈશ્વર પણ પ્રત્યેક ધર્મમાં જુદા જુદા જ હોય છે ને? માનવીનો ઈશ્વર પણ ક્યાં એક છે? છતાં ગુનેગારને અન્યાય ન થાય એ અર્થે ન્યાયાધીશે પણ કાયદેસર સમજ બાઈને આપી.

'જુઓ, બાઈ ! હવે તમે જે જવાબ આપશો તે તમારી વિરુદ્ધ વપરાશે. કાયદો કહેતો નથી કે તમારે ગુનો કબૂલ કરવો જોઈએ. છતાં તમારી વાણીનો લાભ સામો પક્ષ જરૂર લેશે.'

'જી.'

'તમારા વિરુદ્ધ બાળહત્યા...મનુષ્યવધનો આરોપ મુકાયો છે, એ તમને કબૂલ છે?'

‘હા જી.'

'તમે ફરી વિચારા કરો. ખૂનની શિક્ષા ફાંસી સુધીની છે એ જાણો છો?' ન્યાયાધીશે ચેતવણી આપી.

'હા જી; હું જાણું છું.'

'તમે બાળકને કેવી રીતે માર્યું?'

'સાક્ષીઓએ જે હકીકત કહી છે એ બરાબર છે.'

'બાઈ ! તમે ભાનમાં છો ખરાં ?' જરા ચમકીને ન્યાયાધીશે પૂછ્યું. કદાચ એ બાઈની આંખમાં કશી વિચિત્રતા પ્રવેશેલી તેમણે નિહાળી હશે.

'જી !'

'શા માટે બાળકને માર્યું ?—તમારું જ બાળક? '