પૃષ્ઠ:Kanchan Ane Geru.pdf/૧૩

વિકિસ્રોતમાંથી
દિશાશોધન પર જાઓ શોધ પર જાઓ
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
છેલ્લી વાર્તા : ૫
 


‘ઢંકાયેલું રૂપ કવિઓને બહુ ઊત્તેજક થઈ પડે.'

'ચંદ્રને પણ બુરખો પહેરાવીશું અને એનાં સરી ગયેલાં વસ્ત્ર સમાં કરીશું ! પણ હમણાં ચાલ તો ખરો...'

‘શું આશ્લેષા ! તું યે? આવી સરસ કલ્પના આવી છે તેને પૂરેપૂરી કવિતામાં ઉતારવા દે.’

'એટલામાં તો વસ્ત્રો જ નહિ, ચંદા યે સરી ગઈ હશે !'

'જરા મને શાન્તિથી લખવા દે તો '

* * *

‘સુનંદ!' આશ્લેષાએ સુનંદ પાસે જઈ સહેજ શરમાઈને સંબોધન કર્યું.

'હં.', સુનંદે નીચેથી ઊંચું જોયા વગર જ કહ્યું. એ કાંઈ લખતો હતો.

'શું કરે છે તું આખો દિવસ? '

'હું ફૂલરાણીનું એક શબ્દચિત્ર દોરી રહ્યો છું.'

'મારી સામે જોઈશ તો તારે શબ્દચિત્રની જરૂર નહિ પડે.'

ખરેખર આશ્લેષા જાતે જ ફૂલરાણી બનીને આવી હતી. યૌવનાઓને ફૂલરાણી બનવું બહુ જ ગમે છે. પ્રેમીને સાચી આંખ હોય તો સુંદરી સર્વદા અપ્સરાનો જ સ્વાંગ ધારણ કરે છે.

'હા, હું હમણાં જોઉં છું. બેસ ને આ ખુરશી ઉપર ! જરા સરખો વિચાર બાકી છે તે લખી ફૂલરાણીનું ચિત્ર પૂરું કરી લઉં.' સુનંદે કાગળ ઉપરથી સહેજ પણ નજર ખસેડ્યા વગર કહ્યું. મોહક ફૂલરાણીનું ચિત્ર જલદી પૂરું થાય એવું ન હતું. જેમ જેમ એ વિગત ખીલવતો ગયો તેમ તેમ તેની વિગતો વધવા માંડી. ફુલરાણીને મસ્તકે તો ફૂલશૃંગાર હોય જ; પરંતુ એને હાથે પણ ગજરા અને બાજુબંધ જોઈએ જ. એની કટિમેખલા પુષ્પની હોય જ, પરંતુ પગ કયાં પુષ્પથી શણગારવા? વળી ગળામાં વૈજયંતી તો હોય; પરંતુ હથેલીમાં પુષ્પકંદુક રાખવો કે દાંડીવાળું કમળ ?