પૃષ્ઠ:Kanchan Ane Geru.pdf/૧૩૨

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
ઝેરનો કટોરો

પૂનમચંદ હતો ગામડાના નિવાસી. પરંતુ તેના પિતાએ શહેરમાં મોકલી તેને ભણાવ્યો. તેના પિતા પાસે ઠીક ઠીક પ્રમાણમાં જમીન હતી, અને એવી જમીન ધારણ કરનાર ખેડૂત ગામડામાં જમીનદાર ગણાઈ સહુનું માન પામે છે. પૂનમચંદના કુટુંબ પ્રત્યે ગામમાં અને આસપાસના પ્રદેશમાં માન અને સદ્દભાવની લાગણી વ્યાપક હતી. ખેડૂતો પ્રત્યેની મમતા પણ એમાં કારણરૂપ હતી. પૂનમચંદના પિતા ખેડૂતો પાસે ઠીક ઠીક કામ તો લેતા; પરંતુ તેઓ જાતે પણ કોઈ પણ મજુર જેટલું જ કામ કરતા હતા, અને ખેડૂતના કુટુંબની બહુ કાળજી રાખતા હતા. ખેડૂતોને કેટલાક ભાગ મુસ્લિમોના હતા. પરંતુ સેંકડો વર્ષથી, વંશપરંપરાથી સાથે સાથે મજૂરી-મહેનત કરતા હિંદુ મુસલમાન વચ્ચે ધર્મભેદ ગ્રામ જીવનને જરા યે હલાવી શકતો નહિ. હિંદુ હોય તે પૂજાપાઠ કરે અને મુસ્લિમ હોય તો તે નમાજ પઢે, એ સ્વાભાવિક ગણાતું. પોતપોતાનો ધર્મ પાળવામાં કોઈને કશી હરકત આવતી નહિ. એકબીજાના તહેવારો પણ સર્વસામાન્ય બની ગયા હતા. દિવાળીના