પૃષ્ઠ:Kanchan Ane Geru.pdf/૧૩૩

વિકિસ્રોતમાંથી
Jump to navigation Jump to search
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
ઝેરનો કટોરો : ૧૨૫
 

ધનપૂજન કે શારદાપૂજનમાં મુસ્લિમ ખેડૂતો ખુશીથી પ્રસાદ લઈ શકતા હતા, અને ઈદના દિવસે પૂનમચંદના પિતા મુસ્લિમોને ઝૂંપડે જઈ 'ઈદમુબારક' કરી આવતા.

પૂનમચંદ ભણતો હતો અને તેનું લગ્ન બહુ ધામધૂમથી કરવામાં આવ્યું. અસલ ગામડાના પરંતુ શહેરમાં જઈ ધંધામાં કમાણી કરી લાવેલા એક ધનિક કુટુંબની કન્યા પૂનમચંદને મળી. સઘળાં લગ્ન પ્રેમલગ્ન હોતાં નથી. પ્રેમ વિષેની ઘણી કવિતાઓ પૂનમચંદે મુખપાઠ કરી હતી. છતાં એણે લગ્નમાં કાંઈ વાંધો લીધો નહિ. લજજાવતીને તેણે કદીક જોઈ હતી. શહેરનો ઓપ તેનામાં હતો. તે થોડું અંગ્રેજી શીખી હતી, અને તેનો દેખાવ આંખને ગમે એવો હતો. લગ્ન કરી લેનાર કૈંક વિદ્યાર્થીઓ પોતાનો અભ્યાસ પૂરો કરી શક્યા છે એવા દાખલા દલીલને વશ થઈ અભ્યાસમાં લગ્ન વિઘ્નરૂપ છે એવી માન્યતાને બાજુએ મૂકી પૂનમચદે લજ્જાવતી સાથે પોતાનાં લગ્ન થવા દીધાં, અને પોતાનો બાકી રહેલો અભ્યાસ ચાલુ રાખ્યો. મુખપાઠ કરેલી પ્રેમની કવિતાઓ તેને હવે કામ પણ લાગી. પરણેલી પત્નીને તે ચાહવા પણ લાગ્યો અને પ્રેમપત્રો ય લખવા લાગ્યો - જેના પ્રેમભર્યા જવાબ પણ તેને મળવા લાગ્યા.

વિદ્યાર્થી અવસ્થા અનેક રીતે નાજુક કહી શકાય. અભ્યાસ એક પાસ ખેંચે; બીજી પાસ યૌવન, ત્રીજી પાસ ભાવિ ઉત્કર્ષની યોજનાઓ અને ચોથી પાસ સ્વદેશભક્તિ. બીજા દેશોમાં સ્વદેશભક્તિ શ્વાસ જેટલી સ્વાભાવિક હેાય છે; કારકિર્દીની વચ્ચે સ્વદેશભક્તિ આવતી નથી. પરંતુ પરતંત્ર હિંદના વિદ્યાર્થીઓની સ્વદેશ ભક્તિમાં સ્વાતંત્ર્યની લડત એક મહત્ત્વનું સ્થાન લે છે, અને કારકિર્દી સામે ઘર્ષણ પણ ઊભાં કરે છે. પરદેશી સરકારની નોકરી કરવી કે દેશસ્વાતંત્ર્યની લડતમાં ઝંપલાવવું ? એ મહાપ્રશ્નો પ્રેમ સરખુ જ મંથન વિદ્યાર્થીને કરાવ્યે જાય છે. એ મંથન પૂનમચંદના મનને પણ ચગડોળે ચઢાવતું હતું. દેશનો ઉદ્ધાર જરૂર કરવો