પૃષ્ઠ:Kanchan Ane Geru.pdf/૧૩૫

વિકિસ્રોતમાંથી
Jump to navigation Jump to search
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.

ઝેરનો કટોરો : ૧૨૭

મટી કટ્ટર વેરને તીરે ઊભા.

પૂનમચંદ લજ્જાવતી સાથે એક સુભગ રાત્રિ ગાળી સ્વાતંત્ર્યદિનનો ઉત્સવ માણવા શહેરમાં આવ્યો. એ જ વર્ષે તેણે અભ્યાસ પણ પૂરો કર્યો હતો. પરીક્ષા આપી દેવાની તૈયારી હતી, અને સ્વરાજ્યમાં પોતે કર્યું સ્થાન મેળવી લેવું તેનો પણ ઝાંખો અસ્પષ્ટ વિચાર તે કરતો હતો. હિંદુ-મુસ્લિમ ઐક્ય માટે જીવન સમર્પણ કરવાની ભાવના તેને ગમી હતી, કારણ બાળપણથી તેણે પોતાના ગ્રામવિભાગમાં હિંદુ મુસલમાનને ઝઘડતાં જોયાં જ ન હતાં. સ્વાતંત્ર્ય દિનનાં અપૂર્વ દ્રશ્યો એણે જોયાં, લોકનેતાઓને મંચ ઉપરથી અને નભોવાણીમાં સાંભળ્યા, ગીતોમાં અને સરઘસમાં તેણે સાથ આપ્યો. છતાં એના હૃદયનો ઉત્સાહ ખંડિત હતો – ખંડિત હિંદ સરખો : આખા હિંદનું એ પ્રતિબિંબ !

વિશ્વયુદ્ધના ઘાવ હજી જેવા અને તેવા જ હતા. અનાજ, કાપડ, કોલસાની મોંઘવારી વધ્યે જતી હતી. નેતાઓએ રાજ્યલગામ હાથમાં લીધી, પરંતુ એકે કષ્ટનું નિવારણ તેઓ કરી શક્યા નહિ. ભાષણોનો અને અરસપરસ વખાણનો પાતાળ ઝરો ફૂટી નીકળ્યો. પ્રજાજીવનમાં વ્યાપેલા વિષાદનું નિવારણ હજી શક્ય બન્યું ન હતું. પ્રજાએ સહુ ભાષણખોર નેતાઓને પૂછવા માંડ્યું હતું કે : 'ભાઈ ! તમે આવીને અમારું શું વધારે ધોળ્યું ?'

અને એક વર્તમાનપત્ર વેચતા ફેરિયાએ બૂમ મારી :

હિંદુઓની કતલ !

જમીનદારના આખા કુટુંબનો નાશ !

સ્ત્રીઓનાં અપહરણ !

પૂનમચંદે વર્તમાનપત્રની નકલ લીધી, તેમાં નજર ફેરવી અને તેનું દિલ ધડકી ઊઠ્યું. ફેરિયાની બૂમ તેના અને તેની પાડોશના ગામ માટે જ હતી. તેને દોડવાનું મન થયું; તેને બેસી જવાની વૃત્તિ થઈ આવી. તેની આંખે દેખાતી સૃષ્ટી ફરવા માંડી. જમીનદાર