પૃષ્ઠ:Kanchan Ane Geru.pdf/૧૩૮

વિકિસ્રોતમાંથી
Jump to navigation Jump to search
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.

૧૩૦ : કાંચન અને ગેરુ

સુકાતા નિહાળ્યા. શું સહુને કાપી નાખ્યાં? તેમના દેહ ક્યાં ? એક ઓરડામાં પ્રવેશ કરતાં તેણે એક સ્ત્રીનું શબ જોયું. એ શબ જમીન ઉપર પડયું હતું. એ શબનો એક હાથ હજી એક કટારના હાથા ઉપર પડ્યો હતો, અને એ કટાર શબની છાતીમાં ઊંડી ઊતરી ગઈ હતી. રુધિર જાણે અત્યારે પણ વહેતું હોય એમ જમીન ઉપર પડેલી રૂધિરધાર જોતાં તેને લાગ્યું. એ શબ તેની માતાનું હતું !

તેની પાછળ કોઈનો પડછાયો ફરતો તેને ભાસ્યો. તેના હૃદયમાંથી ભય જેવો ભાવ અદશ્ય થઈ ગયા હતો, અને આખી દુનિયા શુન્ય બની ગઈ હતી. તેના હૃદયતારો લગભગ તૂટી ગયા હતા.પાછળ જોતાં તેણે પોતાને ઘેર નિત્ય આવતા, ઘરનું કામકાજ કરતા, સંબંધી સરખા એક મુસ્લિમ ખેડૂતને ઓળખ્યો,

'ઈબ્રાહીમ !' પૂનમચંદે સંબોધન કર્યું.

'હા ઈબ્રાહીમ !' પેલાએ જવાબ આપ્યો. ઇબ્રાહીમની આંખો પણ અસ્થિર હતી.

'આ શું થયું બધું ?'

'જેહાદ જાગી છે. કાફરોને મુસ્લિમ બનાવવા અગર તેમની કતલ કરવી.

'મારા કુટુંબીઓની કતલ થઈ ?'

'ઈસ્લામ ન સ્વીકાર્યો એટલે બીજું શું થાય ?'

'માનું શબ અહીં છે. બીજાં શબ ક્યાં ?'

'તમારા પિતા અને ભાઈનાં શબ ઉપર કબર રચાઈ ગઈ...!'

'મુસલમાન બન્યા હતા ?'

'ના. માટે તો તેમની કતલ થઈ !'

'અને લજ્જાનું શબ ?'

'ખબર નથી. એના ઉપર પણ કબર રચાઈ હશે.'

'કબર બતાવીશ?'