પૃષ્ઠ:Kanchan Ane Geru.pdf/૧૪૪

વિકિસ્રોતમાંથી
Jump to navigation Jump to search
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૧૩૬ : કાંચન અને ગેરુ
 

હોય છે. એટલે ઘર બહાર નીકળતાં, તેમ જ ગામને રસ્તે ચાલ્યા જતાં પેલી સ્ત્રીને કશી જ હરકત આવી નહિ. સ્ત્રીને પણ નવાઈ લાગી કે પૂનમચંદ સરખા અતિક્રૂર હિંદુએ પકડાયલી સ્ત્રીઓ ઉપર સહેજ પણ ચોકી રાખી ન હતી ! તે આસપાસ જોતી આગળ વધી ગામના તળાવ ઉપર આવી ઊભી. રસ્તાનાં સજાગ શ્વાન પણ અત્યારે શાંત બની ગયાં હતાં.

તળાવ ઉપર અંધારું પાતળું બન્યું હતું. આકાશના તારા ઝબક ઝબક ઝબકી રહ્યા હતા. વૃક્ષો પણ જાણે અંધારના જ પુંજમાં અસ્પષ્ટ ઊભાં હતાં. કોઈ પક્ષી ફડફડી જતું હતું -કદાચ બોલી પણ જતું હતું. સ્ત્રીએ તળાવની પાળ ઉપરથી નીચે ઊતરવા માંડ્યું. ઊતરતે ઊતરતે તેણે મુખ ખોલી ચારે પાસ એક વાર દષ્ટિ કરી. ફરી પાછા બુરખો ઓઢી લીધો, અને પાણીમાં પ્રવેશ કર્યો. ધીમે ધીમે, જાણે પાણીને પણ ખબર ન પડે એમ પ્રવેશતી સ્ત્રીનો આખો યે દેહ પાણીમાં અદૃશ્ય થઈ ગયો ત્યાં સુધી અત્યંત ધૈર્યપૂર્વક એ સ્ત્રી ઊંડે, ઊડે અને ઊંડે ડૂબતી જતી હતી. અંતે એ ડૂબી અને એનો આખો દેહ અદૃશ્ય બન્યો. એની સાહેદી આપવા માત્ર એક નિ:શબ્દ વમળ એ સ્થળ ઉપર ફરી વળ્યું.

એકાએક તળાવની પાળમાંથી એક પુરુષ ઊપસી આવ્યો. એણે કૂદકો મારી પાણીમાં પ્રવેશ કર્યો, અને બુરખા સહ ડૂબેલી સ્ત્રીને આખી ખેંચી કાઢી તટ ઉપર ઘસડી લાવ્યો. ખડખડ હાસ્યથી અંધકારને ચીતરવા પૂનમચંદનો કંઠ સંભળાયો: 'ડૂબવાનો રસ્તો નવો જોયો ! બીજી સ્ત્રીઓ તો ભાગી જવા મથે છે ! હા...હા.'

પાણી નીતરતાં વસ્ત્રો સહ ડૂબેલી સ્ત્રી ઊભી થઈ. એક વખત ડૂબવાથી તેણે ભાન ગુમાવ્યું ન હતું – તેના દ્રઢતાભર્યા સંકલ્પે તેને સ્થિર રાખી હતી. હવે ફરી ડુબાય એમ ન હતું એ પણ એ જાણતી હતી. પકડાયા પછી પૂનમચંદની પશુતા સ્ત્રી ઉપર અતિ ઘણી વધી જાય છે એવા સમાચાર પણ તેણે નહોતા સાંભળ્યા એમ નહિ. તેણે