પૃષ્ઠ:Kanchan Ane Geru.pdf/૧૪૫

વિકિસ્રોતમાંથી
Jump to navigation Jump to search
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
ઝેરનો કટોરો : ૧૩૭
 

પૂનમચંદના હાસ્યનો પડઘો પાડયો : 'હું તો હિંદુ બનવા ચાહતી હતી.'

'હું જાણું છું ! નાહવા માટે ડૂબવાની જરૂર ન હોય.'

'ડૂબીને હું મારા દેહને કાયમી હિંદુત્વ આપત.'

'હવે?' ફરીથી સ્ત્રીની નિ:સહાયતા ઉપર હાસ્ય હસી પૂનમચંદે પૂછ્યું.

'હવે તું જાણે. મને ડૂબવા દીધી હોત તો તને મારો આશીર્વાદ મળત.'

'આશીર્વાદ ? તારો ? મારી માતાનું ખૂન? મારી પત્નીનું ખૂન કે અપહરણ ! અને હું તારો આશીર્વાદ લેવા બેસું ? તને હિંદુ બનાવીશ એ સત્ય ! કોઈક હિંદુને પછી હું તારો દેહ સોંપીશ એ એ પણ સત્ય ! અને તું અહીં નાસી આવી એટલે વધારામાં.. હા.. હા..' ભાવિ ક્રૂરતાના વિચારે પૂનમચંદનું વાક્ય હાસ્યમાં પૂરું થયા વગર ન રહ્યું.

તે હસી રહ્યો એટલે પેલી સ્ત્રીએ પૂછ્યું : 'વધારામાં તું શું કરીશ ?'

પૂનમનું હસતું મુખ ક્રૂર બની ગયું. દાંત પીસી તેણે જવાબ આપ્યો. 'તારા સરખી ભાગી જતી સ્ત્રીના ઈસ્લામને ભ્રષ્ટ કરી પછી જ હું તેને હિંદુ બનાવું છું – અને તે પણ જ્યાં પકડાય તે સ્થળે જ ! જો !'

કહી અત્યંત અશિષ્ટતાપૂર્વક પૂનમે સામે ઊભેલી સ્ત્રીનો બુરખો ફાડી નાખ્યો. બુરખો ફાટતાં બરોબર પૂનમ ચમક્યો; તેના પિસાયલા દાંત ખૂલી ગયા, તેનો પશુતાભર્યો પેંતરો ત્યાં જ સ્થિર બની ગયો. માત્ર તેના કંઠે ચીસ પાડી : 'લજ્જા ! તું ?'

આછું પ્રભાત આવતું હતું; અંધારું પીગળી પ્રકાશને માર્ગ કરી આપતું હતું.