પૃષ્ઠ:Kanchan Ane Geru.pdf/૧૪૬

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૧૩૮ : કાંચન અને ગેરુ
 


'પૂનમ ! મને ડૂબવા દીધી હોત તો કેવું સારું થાત?'

'લજજાનું મુખ જોતાં જ પૂનમના દેહમાંથી કલિ અદ્રશ્ય બની જતો હતો, અને માનવતા આવતી હતી. 'લજજા, લજજા ! મેં તને ડૂબવા દીધી હોત તો હું તારી પાછળ ડૂબી ગયો હોત.'

'પૂનમ ! તારી લજ્જા હવે લજજા રહી નથી – તારી રહેવાને પાત્ર નથી.'

'લજજા ! તને શોધવા ખાતર તો હું પશુ બન્યો છું. તું ક્યાંકથી મળી આવશે એ આશામાં જ હું કંઈક મુસ્લિમ સ્ત્રીઓને ઘસડી લાવું છું...અને વેરમાં ને વેરમાં હું પણ એવો ભ્રષ્ટ બન્યો છે કે તું મારી પાત્રતા પૂછીશ જ નહિ !'

પૂનમે લજજાનો હાથ પકડ્યો. લજ્જાવતીની આંખમાંથી આંસુની ધાર વહ્યે જતી હતી. આંસુ લૂછતે લૂછતે પૂનમે જરા રહી પૂછ્યું : 'અત્યાર સુધી તેં કહ્યું કેમ નહિ કે તું લજજા છે?'

'મે પત્ર લખી ઘરમાં મૂક્યો છે.'

'ચાલ, એ પત્ર આપણે સાથે જ વાંચીએ.'

'તું વાંચીને પાછો આવ; પછી ઠીક લાગે તો મને લઈ જજે.'

'હું હવે તને આપઘાતની બીજી તક આપું, એમ? લજજા ! આ આખો યે પ્રસંગ સ્વપ્ન નહિ હોય એમ શા ઉપરથી?'

'એ સ્વપ્નને સ્વપ્ન રાખવું હોય તો પેલી સ્ત્રીઓને તેમને ઘેર મેલી દે. એ પણ કેટલાય પૂનમોની લજ્જાવતીઓ છે.'

'વારુ !' કહી તેણે એક સિસોટી વગાડી. એક મજબૂત પુરુષે આવી પૂનમને નમસ્કાર કર્યા. પૂનમે આજ્ઞા કરી : 'બધી જ ઈસ્લામી બહેનોને જ્યાંથી લાવ્યા ત્યાં પહોંચાડી આવો. હમણાં જ. પછી હું ઘરમાં આવું છું.'

લજ્જાનું મુખ નિહાળ્યા કરતા પૂનમે થોડી વારમાં જોયું કે મુસ્લિમ સ્ત્રીઓથી ભરેલી મોટર ગાડીઓ ગામમાં બહાર જતી હતી.

સૂર્યનું એક કિરણ ઝગારા મારી રહ્યું.