પૃષ્ઠ:Kanchan Ane Geru.pdf/૧૪૭

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
ઝેરનો કટોરો : ૧૩૯
 


'લજજા ! આ આખો યે કિસ્સો હવે સ્વપ્ન બને છે. ચાલ.'

'ના; હજી તારા હૃદયમાં એક પ્રશ્ન ઊભો છે.' લજ્જાએ કહ્યું.

'મારું હૃદય વાંચવું હવે તું બંધ કરી દે. મેં એટલાં પાપ કર્યાં છે કે મારે તારાં નિઃસહાય દશાનાં પાપ સાંભળવા નથી. એ પાપ જ ન કહેવાય.'

પૂનમ અને લજ્જાએ ચાલવા માંડ્યું. લજ્જાનો પહેરવેશ હજી ઈસ્લામી ઢબનો હતો – જોકે બૂરખો ખસી ગયો હતો. લોકોની અવરજવર ચાલુ થઈ હતી.

પૂનમનું ઘર આવ્યું. લજ્જા અટકીને ઊભી, અને બોલી : 'પૂનમ હજી મને જતી કર.'

'એ પછી હું જીવીશ કેમ?' પૂનમે કહ્યું.

‘અત્યાર સુધી તું જીવ્યો તેમ.'

પૂનમે લજ્જાને ખેંચીને ઘરમાં લીધી. તેણે લજ્જાવતીને જવાબ આપ્યો નહિ.

ઘરમાં આવી પૂનમે લજ્જાને સુવાડી દીધી. તેને સહેજ નિદ્રા પણ આપી. નિદ્રામાંથી જાગતાં બરાબર તેણે પૂનમને એક કટાર સાથે રમતાં નિહાળ્યો.

'શું કરે છે, પૂનમ? કટારી તું ખુશીથી મને ભોંકી દે. અગર મને હાથમાં આપ, હું તારી ઈચ્છા પૂર્ણ કરું.' લજ્જાએ કહ્યું.

'મારી ઇચ્છા ? ઘેલી ! તને મેળવ્યા પછી મને કશી જ ઈચ્છા રહી નથી.'

'તું જૂઠું બોલે છે પૂનમ !'

'ઈચ્છા તો નહિ, પણ આ કટાર જોતાં મને એક પ્રશ્ન થાય છે.' સહજ સંકોચાતાં પૂનમે કહ્યું.

'ખોટું તો નહિ લાગે ?'

'ખોટું લાગે તો ય શું? પ્રશ્નનો પડદો રાખી મારે આ ઘરમાં