પૃષ્ઠ:Kanchan Ane Geru.pdf/૧૪૮

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૧૪૦ : કાંચન અને ગેરુ
 

વસવું નથી.'

મને એમ થાય છે... કે આપઘાત કરવા તેં આજે હિંમત કરી. તને ઇસ્લામીઓ ઉપાડી ગયા તે વખતે તે કેમ હિંમત ન કરી ?' ડરતે ડરતે પૂનમે પૂછ્યું.

લજ્જાની આંખમાંથી અગ્નિ વરસ્યો. તે એકદમ બેઠી થઈ ગઈ. તેણે અત્યંત શાંતિથી છતાં બળતાં અને બાળતાં ઉચ્ચારોથી જવાબ આપ્યો. 'કટાર તો મેં મારી પાસે જ રાખી હતી. પરંતુ તારી માતાને એની પહેલી જરૂર પડી ગઈ. એમણે માગી એટલે મારે આપી દેવી પડી. એક જ કટારી હતી–જેને તું હમણાં રમાડે છે તે.’

પૂનમના હાથમાંથી કટાર પડી ગઈ. પરંતુ એ ક્ષણ પછી લજજા પૂનમની સાથે બોલી જ નહિ. પૂનમના ગૃહમાં ન રહેવું એવો તે જ ક્ષણે નિશ્ચય કરી ઘર બહાર ચાલી જતી લજજાવતીને પૂનમે બળજબરીથી રોકી રાખી.

પૂનમની બળજબરી એટલે હવે આંસુનો પ્રવાહ !

અબોલ લજ્જાએ ઘરમાં સ્વપ્નશૂન્યતા ફેલાવી દીધી. અસહાય સ્ત્રીના શીલની શંકા કરતા પુરુષને પિછાનવાનું એણે બંધ કરી દીધું !

અને એક રાત્રીએ તે અદૃશ્ય થઈ ગઈ–આશા આપીને કે તે પૂનમનું ગમતું મુખ જોવા પોતાના મૃત્યુ પહેલાં જરૂર આવશે !

રોજ લજ્જાવતીની ચિઠ્ઠી વાંચી નિ:શ્વાસ નાખ્યે જતા પૂનમે ફરી મુસ્લિમો ઉપર વેર લેવાની યોજના કરી નહિ. હજી પણ અપહરણના કિસ્સાઓ તે વાંચતો, તેના મિત્રો તેને ઉશ્કેરતા અને આગેવાની આપવા આવતા. પણ તેનો એક જ જવાબ હતો : 'વેરનાં ઝેરી વર્તુળમાંથી હું હવે બહાર આવ્યો છું.'