પૃષ્ઠ:Kanchan Ane Geru.pdf/૧૫૦

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૧૪ર : કાંચન અને ગેરુ
 

પણ ઝૂકીને ચાલું છું ! ઈશ્વર નથી એમ બાંગ પુકારનારો હું પ્રગતિશીલ ! આજ ઈશ્વર છે કે નથી એ બેમાંથી એકે વાદ સામે ઝઘડતો નથી. ઈશ્વર છે એમ પણ કહેવા હું આતુર નથી; ઈશ્વર નથી એમ પણ હવે હું બૂમ પાડતો નથી.

'કારણ? કહું? મને વહેમી તો નહિ ગણી કાઢો ?

કદાચ ગણશો તો ય શું ? મને કે તમને એમાં ફાયદો કે ગેરફાયદો થોડો જ થવાનો છે? ફાયદો કદાચ એ થાય કે તમને એક વિચિત્ર પ્રસંગ સાંભળવાનો મળે.

કુમાર અને કુસુમની એક જોડલી મારા જ મકાનમાં ભાડે રહેવા આવી. તે સમયે પાઘડીનો પવન આજ જેવો ફૂંકાતો ન હતો. ઘરને રહેવાના સાધન તરીકે સહુ ગણતા; કમાણીના સાધન તરીકે નહિ. ઘરમાલિક તથા ભાડુઆતના સંબંધો ગાળાગાળીના, મારામારીના, છેતરપિંડીના અને અદાલતના સંબંધ બની ગયા ન હતા. ધરમાલિક ભાડુઆતની બનતી સગવડ સાચવતા, અને ભાડુઆતોને પોતાને જ રસોડે પહેલે દિવસે જમાડી પછી ઘર સોપતાં. ભાડુઆત પણ ઓરડામાંથી ઓરડી અને તેમાંથી પણ ઓરડી કાઢી બીજા ભાડુઆતોને ઘુસાડી ઘરમાલિકની જિંદગી ઝેર કરી નાખવાની આવડત કેળવતો નહિ. ટૂંકમાં કહીએ તો ઘરમાલિક અને ભાડુઆતના સંબંધો કંઈક માણસાઈભર્યા રહેતા; આજની માફક બન્ને વચ્ચે દુશ્મનાવટના મોરચા રચાયેલા નહિ.

કુમાર ભાવનાશાળી યુવક હતો. ભણેલોગણેલો અને ધનિક કુટુંબમાં જન્મેલો એ યુવક. એને નોકરી કરવાની જરૂર ન હતી. પરંતુ નોકરી કરવાની જેમને જરૂર હોતી નથી એવા યુવકોને ભાવનાશીલ બનવાની અને ભાવના પ્રમાણે વર્તવાની પૂરી ફુરસદ હોય છે. કવિઓ અને લેખકોની માફક આપણા નેતાઓ પણ ઠીક ઠીક સુખી કુટુંબોમાંથી જ આગળ આવ્યા છે ને ? એમાં ખોટું પણ શું છે ? સગવડ માનવીને કાં તો એશઆરામી અને વ્યસની