પૃષ્ઠ:Kanchan Ane Geru.pdf/૧૫૭

વિકિસ્રોતમાંથી
Jump to navigation Jump to search
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
સત્યના ઊંડાણમાં : ૧૪૯
 

સારે સ્થળે ન જ જવું એ કોઈને પણ યોગ્ય ન જ લાગે. મેં આછો અણગમો દર્શાવી સહુ સાથે જવાનું કબૂલ કર્યું, અને અમે ગયાં.

નર્મદાકિનારો ! તેમાં અજવાળી રાત ! પછી પૂછવું શુ ? આખા કુટુંબને નહાવાની, રહેવાની, રમવાની ભારે મજા પડી. હું પણ કુટુંબના આનંદનો ભાગીદાર બની રહ્યો હતો. છતાં કુમાર અને કુસુમ વારંવાર યાદ આવી જતાં. લોક તો એ વાત ભૂલી પણ ગયાં હતાં. અકસ્માત કોઈ ને કોઈ નદીમાં વષોવર્ષ ડૂબે. ગામલોકો એવાં કેટલાં ડૂબતાંને યાદ કરે ? કુમાર અને કુસુમ કેમ અને ક્યાં ડૂબ્યાં તેની માહિતી હવે કોઈ આપી શક્યું નહિ. મારે બીજું કાંઈ કરવું ન હતું; માત્ર એ સ્થળે બે ફૂલ ચઢાવવાં હતાં. પરંતુ મને કોણ એ સ્થળ બતાવે? જેને પૂછીએ તે જવાબ આપે: 'હાં ! કઈ બેત્રણ માનવી ડૂબેલાં ખરાં. પણ હવે વર્ષો વીતી ગયાં. નદીનો પટ પણ જરા ફર્યો છે. કઈ જગાએ એ ડૂબ્યાં તે યાદ આવતું નથી.'

'તેમનાં નામ યાદ છે ?' મેં પૂછ્યું.

'નારે ના; આટલે વર્ષે કોણ યાદ રાખે?'

'સારાં ખોટાં માનવીને યાદ રાખવાની જગતને ફુરસદ નથી ! નદીનાં પાણી વહ્યે જ જાય છે. ગઈ સાલ આ જ સ્થળ ઉપરનું મોજું સમુદ્રમાં પહોંચી ગયું હશે ! આજ મારા પગ નીચે ઊછળતું મોજુ આવતી કાલ કેટલા એ ગાઉ મારાથી દૂર નીકળી ગયું હશે ! પાણી તો વહ્યા જ કરે છે. સહુ એ પાણીસમૂહને નર્મદાનું નામ આપે છે. પરંતુ આજ અહીં વહેતી નર્મદા આવતી કાલની અહીંની નર્મદા નહિ જ હોય ને?

એમ માનવજાત તો વહ્યા જ કરે છે. માનવમોજાં વ્યક્તિગત રીતે ઊંચાં ઊછળે, પાછાં પડે, અદૃશ્ય થાય, બીજાં તેમની ઉપર રચાય, તે પણ એ જ માર્ગે જાય, ભુલાય. અને આ ભુલાતાં, નવાં જમતાં, જરા ઊછળતાં કે કદી તોફાને ચઢી આકાશને અડકવા મથતાં માનવમોજાં ને પોતામાં સમાવતી માનવનર્મદા વહ્યા જ કરે છે.