પૃષ્ઠ:Kanchan Ane Geru.pdf/૧૬૧

વિકિસ્રોતમાંથી
Jump to navigation Jump to search
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
સત્યના ઊંડાણમાં : ૧૫૩
 

મસ્તક તૂટી ગયું. લોહીના રેલા ચાલ્યા અને નિર્જીવ બની એ વૃદ્ધ પણ આરા ઉપર પડી ગયા.

ત્રણ મૃત્યુ મેં થોડી જ ક્ષણમાં નિહાળ્યાં. હું પગથાર ઉપર બેસી ગયો અને આંખે હાથ દઈ દીધો !

આંખ ઉઘાડતાં જ મારી સામે બેત્રણ માનવીઓને ઊભેલાં મેં જોયાં.

'તમે કોણ છો?' પૂછ્યું.

'ગામના ચોકિયાત. મોડું થયું એટલે તમને શોધવા ઘેરથી અમને મોકલ્યા. ચાલો.'

‘ત્યારે કુમાર, કુસુમ, કુમારના પિતા..!'

'અહીં કોઈ જ નથી.'

'લોહી રેલાયું છે ને?'

'અં હં. અહીં લોહીબોહી કાંઈ નથી.'

મેં જોયું, લોહી ન હતું. માત્ર ચંદ્ર ચાંદનીને બદલે રુધિર વરસાવતો લાગ્યો.

'ત્યારે...મેં એ બધું શું જોયું?'

'સાહેબ ! કાંઈ નહિ. સપનાની માયા ! પણ આ પૂનમે એકલા આ બાજુએ આવવા જેવું નથી.'

'કેમ ?'

'કાંઈ નહિ; પણ કદી કદી કોઈને કાંઈ દેખાઈ જાય.'

'શું દેખાય?'

'એ તો અમારા ગામડિયા લોકના વહેમ. તમે ચાલો.'

મેં ઊઠીને તેમની સાથે ચાલવા માંડ્યું. વાતાવરણમાં અમારા સિવાય અને નદીનાં મોજાં સિવાય કાંઈ જ હાલતું લાગ્યું નહિ.

'હા, હા, પેલા તારા હાલતા હતા. શા માટે? એ પણ કોઈ અધ્ધર ફરતાં થરથરતાં પ્રેત તો નહિ હોય?'