પૃષ્ઠ:Kanchan Ane Geru.pdf/૧૬૫

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
નિશ્ચય: ૧૫૭
 

સહજ બંડ ઉઠાવે કે છેવટે આપઘાત કરે, એ ખરું ! પરંતુ એવી આનાકાની કે બંડના પ્રસંગો બહુ જ જૂજ આવવાના–અપવાદ રૂપે. મોટે ભાગે તો વડીલો અને વડીલો દ્વારા રચાતો સમાજ જે કહે, જે કરે, તે પુત્રીને સ્ત્રીને કબૂલ જ હોય છે.

માબાપ કહે: આ તારો પતિ !

દીકરીના મુખ ઉપર કબૂલાત લખાયલી જ હોય : કબૂલ ! જન્મોજન્મ એ પતિ !

સમાજ કહે : વિધવાથી લગ્ન ન થાય !

સ્ત્રી એક ડગલું આગળ વધી કહે : માન્ય, બધી રીતે માન્ય ! બાળવિધવાને પણ લગ્ન નહિ !

સમાજ સ્ત્રીને કહે : તને આઠ વર્ષે પરણાવવી જ જોઈએ, નહિ તો...ધર્મ રસાતાળ પહોંચી જશે !

સમાજને પગે લાગી સ્ત્રી કહે: આઠ વર્ષે લગ્ન ? અરે, એથી ઓછાં ! છ વર્ષે, ચાર વર્ષે, બે વર્ષે.આજ્ઞા કરો ! મારા જન્મ પહેલાં જ મારું ભલે ને લગ્ન થઈ જાય !

કવિ કહે : હે સ્ત્રી ! તું પરી બની જા !

કબૂલ કવિરાજ ! સ્ત્રી કહે છે, અને પરી જેવાં વસ્ત્રાભૂષણ પહેરી, પરી સરખા ઊડતા ભાવ પ્રગટાવી, પ્રત્યેક પુરુષઆંખમાં કવિતા આંજતી સ્ત્રી પરી બની જાય છે.

તારે પતિના શબ સાથે જીવતાં બળી મરવું પડશે: પ્રતિષ્ઠાવિધાયક પુરુષોની બાંગ સભળાય છે.

કબૂલ, પ્રતિષ્ઠાદેવી ! મને સતીનું બિરદ આપ આપો છો એ ઓછો બદલો છે? સ્ત્રી કહે છે.

સ્ત્રીઓને કહેવામાં આવ્યું તમે ભણો, નહિ તો સારો વર તમને મળશે નહિ,

સ્ત્રીઓએ તે કબૂલ કરી ભણવા માંડ્યું. એટલું સારું ભણવા માંડ્યું કે પુરુષોને શરમ આવે !