પૃષ્ઠ:Kanchan Ane Geru.pdf/૧૭

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
છેલ્લી વાર્તા : ૯
 

ઊર્મિ, લેખિની, એ તો સતત તારી આસપાસ હોય છે જ.' આશ્લેષાએ કહ્યું. હમણાં હમણાં તે સુનંદને પૂરું વાક્ય પણ બોલવા દેતી નહિ – જ્યારે બન્ને વચ્ચે વાતચીત થતી ત્યારે. હમણાંની એ વાતચીત ઘણી ઓછી થઈ ગઈ હતી. સુનંદને લાગ્યું કે તેની સ્નેહાળ પત્ની તેને લેખનકાર્યમાં સરળતા કરી આપતી હતી. છતાં આમ બિલકુલ તેનો બહિષ્કાર થાય એ તો સુનંદને ન જ ગમે ને?

'કયું પિક્ચર હતું ? બેમાં સારું કયું? ' સુનંદે પૂછ્યું.

'તું તારું પુસ્તક લખ. તારો સમય હુ લેવા માગતી નથી.'

'હવે લખવું નથી, સૂવું છે.'

'ભલે, સૂઈ જા.'

'પણ તે...આમ...પાસે આવવું પણ નથી?'

'ના. તું સૂતે સૂતે પણ લખે છે.'

'ઊંઘમાં પણ ?'

'હા'. આશ્લેષાએ કહ્યું.

સુનંદ ખડખડ હસી પડ્યો – જાણે આશ્લેષા તેનાં સાચાં વખાણ કરતી હોય !

'તારી વાત સાચી છે. મારી કૈંક વાર્તાઓના “પ્લૉટ" મને નિદ્રામાંથી જ મળ્યા છે. Sub-conscious mind...ડોકિયાં કરી જતી માનસ સ્ફૂર્તિ !'

આશ્લેષાને વધારે લાંબી વાત કરવી જ ન હતી. દૂર પડેલા એક પલંગ ઉપર તે આંખ મીચી સૂતી.

પ્રભાતમાં તે ફરીથી સુનંદ પાસે ચાનો પ્યાલો મૂકી ચાલી ગઈ. રોજ સાથે બેસી ચા પીતી પત્ની બે દિવસથી સુનંદને એકલો મૂકી દેતી હતી. રિસાઈ હશે ? સુનંદે કવિતામાં અને વાર્તામાં અગણિત પ્રેમ કલહો ગોઠવી તેમને ઉકેલ્યા હતા અને હજારો વાર્તામાં હૈયાં હર્યા હતાં ! આશ્લેષાને જોતજોતામાં મનાવી લેવાશે–જો તે રિસાઈ હશે તો ! અનેક પ્રેમી યુગલોના સર્જકને એકાદ સર્જન