પૃષ્ઠ:Kanchan Ane Geru.pdf/૧૭૨

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૧૬૪ : કાંચન અને ગેરુ
 

રમા અમુક સ્થળે, અને અમુક સમયે ગૌતમને મળવાની યોજના કરતી. ઘેર આવી ગૌતમ તેને લઈ જાય એ તેને પસંદ ન હતું. એ કહેતી : 'તું આવે અને માના દેખતાં હું તારી સાથે ચાલું ? એ તો હું શરમાઈને મરી જઉં !'

મુખ્યત્વે શરમનું બહાનું કાઢી તે ગૌતમને પોતાના ઘર પાસે આવવા દેતી નહિ.

અલબત્ત માતાપિતા આ સંબંધથી બહુ રાજી રહેતાં હતાં, અને જ્યારે ગૌતમનાં માતાપિતાએ રમાના માતાપિતાને બોલાવી ગૌતમ તથા રમાનાં લગ્નની વાત કરી ત્યારે તેમણે બહુ જ ખુશીથી સાભાર એ માગણીનો સ્વીકાર કર્યો અને પ્રભુનો ઉપકાર પણ માન્યો.

રમાના મુખ ઉપર આનંદ ઊપજ્યો કે નહિ તે રમાએ કોઈને જાણવા દીધું નહિ. સ્ત્રી જાતિના હર્ષ અને શોક ઘણી વાર ગુપ્ત જ હોય છે ! કૉલેજની કૈંક બહેનપણીઓએ તેને અભિનંદન આપ્યાં, અને તેના પ્રેમની આછીપાતળી આશાના ઉમેદવાર, મિત્રોએ પણ તેને મુબારકબાદી આપી, જે રમાએ સ્વીકારી. પરંતુ રમાના વર્તનમાં કશો જ વિજયી ફેરફાર દેખાયો નહિં. વીલું સ્મિત કરી તે અભિનંદન સ્વીકારી વાત બદલી આપતી.

ગૌતમે પરીક્ષા પસાર કરી કૉલેજ છોડી. એની લગોલગ આવેલી રમાને હજી કૉલેજ છોડવાને એક વર્ષની વાર હતી. એટલામાં ગૌતમનાં માતાપિતાએ કહેણ મોકલ્યું કે હવે રમાનાં અને ગૌતમનાં લગ્ન થઈ જવાં જોઈએ. માતાપિતા પણ તૈયાર હતાં. જો કે રમાના પિતાને એમ લાગ્યું ખરું કે રમા છેલ્લી પરીક્ષા આપી દે ત્યાં સુધી લગ્ન લબાવાયું હોત તો ઘણું સારું થાત. રમાને મત આપવાનો જ ન હતો. એક નિશ્ચય એણે કરી જ રાખ્યો હતો : લગ્ન થાય તો ય છેલ્લી પરીક્ષા આપવાની જ. તેના પિતાએ જેટલી મુદત લંબાવાય એટલી મુદત લંબાવી. અંતે એક મિતિ લગ્ન માટે ઠરાવવી પડી. ગૌતમના ઉત્સાહનો પાર રહ્યો નહિ. બધી વસ્તુઓની