પૃષ્ઠ:Kanchan Ane Geru.pdf/૧૭૩

વિકિસ્રોતમાંથી
Jump to navigation Jump to search
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
નિશ્ચય : ૧૬૫
 

માફક લગ્નમાં પણ યુવકોને બહુ જ ઉત્સાહ રહે છે. રમાને ફરવા જવા માટે હવે વધારે આમંત્રણો મળવા લાગ્યાં. પોતાની પત્ની બહુ ભણે એવી સાચી ઈચ્છા રાખતા કૈંક પતિ લગ્નને જતું કરવા કે તેને આગળ લંબાવવા તૈયાર હોતા નથી. પરંતુ ગૌતમને ક્યાંથી ખબર હોય કે લગ્નનો સરંજામ કરવામાં પણ રમાનો ઘણો વખત જતો હતો, અને તેને સિનેમા-નાટક જોવાની જરા ય ફુરસદ મળતી ન હતી !

રમાના ઘરમાં રમાના લગ્નનો ઉત્સાહ જરૂર હતો; પરંતુ એ ઉત્સાહના રંગને ઘેરી કિનાર પણ હતી.

પિતા કદી કહી ઊઠતા : 'સવારસાંજ રમાનું મુખ જોતો એટલે મારા ચોવીસે કલાક સુખમાં જતા. હવે ?...'

માતાથી કદી કદી બોલાઈ જતું : 'દીકરીનું સૌભાગ્ય અખંડ રહો... પણ..મારા હાથ, પગ અને હૈયું ત્રણે ય આજથી જ ભાંગી ગયાં છે...એના વગર હુ પાંગળી બની જઈશ...'

ભાઈઓ પૂછતા : 'બહેન ! લગ્ન પછી તું અહીં આવવાની જ નહિ ?'

'કોણે કહ્યું એમ ? હું જરૂર આવવાની.' રમા કહેતી.

'તું નહિ આવે તો...અમારાં કપડાં...બધું શું થશે ?' ભાઈઓને મૂંઝવતા પ્રશ્ન સાંભળી રમા સહજ હસતી.

અને ભાણેજોએ તો હદ કરી: 'માશી, લગ્ન થશે એટલે તું ચાલી જઈશ ?'

'કોણે કહ્યું ?' રમા હસીને પૂછતી.

'બધાં જ કહે છે ને ?'

'છો કહે.' કહી નાનામાં નાના ભાણેજને ઊંચકી લેતી- જેથી બીજા મોટા ભાણેજોને પણ એમ થતું હતું કે એ હાથ પોતાના તરફ લંબાય ! પરંતુ રમાએ ઘરમાં એક સિદ્ધાંત સ્થાપ્યો હતો કે જે નાનામાં નાનું બાળક એને બધામાં પહેલો હક્ક !

રમાના જવાબથી સંતોષ ન પામતાં બાળકોમાંથી કોઈ ઈચ્છા