પૃષ્ઠ:Kanchan Ane Geru.pdf/૧૭૪

વિકિસ્રોતમાંથી
દિશાશોધન પર જાઓ શોધ પર જાઓ
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૧૬૬ : કાંચન અને ગેરુ
 

વ્યક્ત કરતું: 'માશી ! તારા લગ્ન પછી તું અમને સાથે ન લઈ જાય?'

રમા હસીને જવાબ આપતી : 'હું જઈશ તો તમને જરૂર સાથે જ લઈ જઈશ.'

જીવનમાં ઘણાં વચન પાળવા માટેનાં હોતાં નથી એવું રમા જાણતી હતી.

પરંતુ હવે દિવસે દિવસે ગૌતમ રમા પાસે ઘણાં વચનો માગતો અને ઘણાં વચન પળાવવાનો આગ્રહ રાખતો. સ્ત્રી એ પુરુષને મન ફાવે તેમ રમવાનું રમકડું હોય એવી પુરુષોની માન્યતા હોય છે, અને સ્ત્રીઓ પણ ઘણું ખરું રમકડાં બની પુરુષની માન્યતાને પોષે પણ છે. રમાએ ગૌતમના લગ્નોત્સુક મનને આનંદ આપવાનો બનતો પ્રયત્ન કર્યો પણ ખરો. પરંતુ જ્યાં સુધી લગ્ન દ્વારા રમાના જીવનનું ગૌતમના જીવનમાં પૂર્ણ વિલીનીકરણ ન થાય ત્યાં સુધી રમાના કેટલાક જીવનપ્રવાહો ગૌતમની ઈચ્છાથી બહાર પણ કદી કદી જતા હતા. ગૌતમને માટે દુ:ખનું એ મોટામાં મોટું કારણ હતું. ગૌતમ લાગ જોઈ કદી કહે : “રમા ! આજે તારી છબી પડાવવાની છે – બીજના ચંદ્ર ઉપર જાણે તું બેઠી હોય ને, એવી છબી !”

આવી પૌરુષ ઈચ્છા સ્વાભાવિક છે; ઘણા પ્રેમીઓ આવી છબી માટે એકમત થાય એમ છે. પરંતુ રમાએ ના પાડી કહ્યું : 'મારે એવી છબી નથી પડાવવી.'

'કેમ? નથી ગમતી ?'

'ગમે છે... પણ સાચા બીજ–ચંદ્ર ઉપર બેસાડો તો હું એ છબી પડાવું.' રમા કહેતી.

આનો અર્થ જ એ કે રમાને છખી પડાવવી નથી અગર ગૌતમને ઉતારી પાડવો છે-અશક્ય વસ્તુ માગીને !

લગ્નના પંદરેક દિવસ બાકી હતા. એકસામટાં પોણા ભાગનાં ચોખ્ખાં સ્ત્રી શરીરો ખુલ્લી આંખે દેખાય એવું દિલ બહેલાવનારું