પૃષ્ઠ:Kanchan Ane Geru.pdf/૧૭૫

વિકિસ્રોતમાંથી
Jump to navigation Jump to search
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
નિશ્ચય: ૧૬૭
 

એક પશ્ચિમી ચિત્ર જોવા જવાની ગૌતમે ઈચ્છા પ્રદર્શિત કરી અને રમાને ખાસ તાકીદ કરી કે બરાબર સાતમાં પાંચ કમે તેણે 'થિયેટર' ઉપર આવવું !

સાતમાં સાત કમે ગૌતમ થિયેટર ઉપર આવી ગયો. એણે સરસ કપડાં પહેર્યાં હતાં એમ થિયેટર ઉપરના એક આયનામાં જોઈ તેણે ખાતરી કરી લીધી.

સાતમાં પાંચ કમ રહી અને ગૌતમની આંખો ચારે પાસ ફરી વળી. એકેય બાજુએથી રમા આવતી દેખાઈ નહિ. ઊંચામાં ઊંચા વર્ગની બે ટિકિટો તેણે ખરીદી હતી, અને પ્રત્યેક મિનિટે તે રમાના આવવાની રાહ જોતો ચારે પાસ આંખ અને પગ ફેરવતો હતો. પ્રેમનો ગુસ્સો પણ અદ્‌ભુત હોય છે.

'આજે ભાઈઓને કપડાં પહેરાવવા રહી; કાલે ભાણેજોને રડતાં રાખવામાં રોકાઈ; પરમ દિવસે પિતાને ચા કરી આપવામાં જરા વાર થઈ. એનાં એ બહાનાં ! એના ઘરમાંથી એ ઊંચી જ આવતી નથી ! મારી સાથે પરણશે પછી એને એ જંજાળ રહેશે નહિ !' ગૌતમ ફેરા ફરતે વિચાર કરતો હતો અને ઘરકામને લાત મારી ચાલ્યા આવવાની તાકાતના રમામાં રહેલા અભાવ ઉપર ગુસ્સો કરતો હતો.

સાતના ટકોરા એક ઘડિયાળમાં પડ્યા. ગૌતમે તે બરાબર ગણ્યા. એક ઘંટડી વાગી અને જાહેર થયું કે સિનેમાનો પડદો ઊઘડે છે તથા સુંદર ચિત્ર હવે આવે છે ! મનથી ગૌતમે પગ પછાડ્યો.

'રમા કદી નિયમિત થઈ શકી નથી !' તે મનમાં બબડ્યો અને રમા નિયમિત થયાના સઘળા પ્રસંગો વીસરી ગયો.

'મારી આખી સાંજ ખરાબ કરી નાખી...' રાહ જોયા છતાં રમા બસમાંથી બહાર આવતી ન દેખાઈ એટલે તેનું મન છણછણી ઊઠ્યું.