પૃષ્ઠ:Kanchan Ane Geru.pdf/૧૭૮

વિકિસ્રોતમાંથી
Jump to navigation Jump to search
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૧૭૦ : કાંચન અને ગેરુ
 

દિવસ બાકી...'

'એ દિવસો કદાચ લંબાય.' રમાએ કહ્યું. રમાના કંઠમાં કદી ન સંભળાયલી કઠોરતા પ્રવેશતી હતી શું ?

'શું? શા માટે દિવસો લંબાય?' લગ્નની તૈયારી કરતો માનવી લગ્ન લંબાય એ કદી સહન કરી શકતો નથી – પછી એ અભણ ગામડિયો હોય કે ભણેલો સંસ્કારી યુવક હોય ! લગ્ન પહેલું હોય કે બીજું ! ચમકીને ગૌતમ પોતાને પ્રશ્ન પૂછી રહ્યો હતો.

‘માની તબિયત આજ એકાએક બગડી આવી છે !' રમાએ કહ્યું.

'મા...બાપ...ભાઈ...ભાણેજ—રમા તારું ઘર તને ખાઈ જવાનું છે !'

'ઘર જન્મ આપે અને ધર ખાઈ પણ જાય ! શું થાય?'

‘રમા ! મેં નિશ્ચય કર્યો છે.'

'શો?'

'ઠરેલી તારીખે લગ્ન કરવું જ. એમાં રજ જેટલો એ ફેરફાર નહિ થાય.'

'સારું કર્યું... પણ લગ્નમાં તો બે પક્ષોનો નિશ્ચય જોઈએ ને?'

'હાસ્તો. તારા નિશ્ચયની મને ખાતરી છે.'

'એ ખાતરી ન રાખીશ. એ દિવસે લગ્ન નહિ થાય...નિદાન મારું ! તારું થાય તો હું ના નહિ પાડું.'

આરામથી બેઠેલો ગૌતમ એકદમ સીધો બેસી ગયો અને 'ઈન્ટરવલ' પૂરો થઈ ચિત્ર શરૂ થઈ ગયું. ચિત્ર પૂરું થતાં સુધી - ન ગૌતમ હાલ્યો કે બોલ્યો; ન રમા હાલી કે બોલી. બન્નેની ખુલ્લી આંખે કદાચ ચિત્ર દેખાયું પણ નહિ હોય.

ચિત્ર પૂરું થયું. મોટા ભાગના લોકોને જવા દઈ સુઘડતાભરી મોકળાશમાં જવાનું પસંદ કરી ધીમે ધીમે જતાં ગૌતમે એકાંત જોઈ રમાને પૂછ્યું : 'ઇન્ટરવલમાં તેં મને શું કહ્યું ?'