પૃષ્ઠ:Kanchan Ane Geru.pdf/૧૮

વિકિસ્રોતમાંથી
દિશાશોધન પર જાઓ શોધ પર જાઓ
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૧૦ : કાંચન અને ગેરુ
 

વ્યવહારમાં મુકી દેતાં શી વાર લાગવાની હતી ?

સુનંદની ટપાલ પણ ભારે હતી. કાં તો લેખ, કવિતા, વાર્તા પ્રગટ કરતાં પત્રોનો થોકડો આવ્યો હોય; કાં તો લેખ મોકલ્યા બદલ આભારના પત્રો હોય; અગર નવા નવા લેખ માટેના આગ્રહભર્યા વિનતિપત્ર હોય. વળી કેટલાક પત્રોમાં વિવેચન ને ચર્ચા પણ આવ્યાં હોય અને તેના જવાબોની ઝડીઓ વરસતી હોય. આજે તો સુનંદના કાવ્ય ઉપર તેમ જ તેની એકબે વાર્તાઓ ઉપર પ્રશસ્તિઓનાં પુષ્પો વરસી રહ્યાં હતાં. પોતાનાં વખાણ થાય ત્યારે રાજી થવું અને ખુશાલીનું પ્રદર્શન કરવું એ સારી રીતભાત ગણાય નહિ. કવિઓ અને સાહિત્યકારોએ તો ખાસ કરી પ્રશંસા તેમ જ ટીકા બન્નેમાં ઉદાસીનતા જ કેળવવી જોઈએ, અને સાચા સ્થિતપ્રજ્ઞની કક્ષાએ પહોંચવું જોઈએ. છતાં પ્રશસ્તિની ખુશાલી પત્ની સમક્ષ પ્રદર્શિત કરનારનો ગુનો પ્રભુ માફ કરે છે એમાં સંશય નહિ.

'આશ્લેષા, આશ્લેષા ! જો, આ વાંચી જો ને?' સુનંદે જરા મોટેથી બૂમ પાડી કહ્યું. આશ્લેષા તેની પાસે બેઠી ન હતી. પાસેના જ ખંડમાં તે બેઠી હશે એમ ધારી સુનંદે જરા મોટે ઘાટે કહ્યું. કવિઓ પણ મોટેથી બોલે ખરા. તે સિવાય કવિતા બધે સંભળાય પણ કેમ ?'

આશ્લેષાએ જવાબ પણ ન આપ્યો, અને તે પાસે આવી પણ નહિ. આનંદ એ એવી ઊર્મિ છે કે જેમાં ભાગીદાર હોય તો તે દ્વિગુણિત થાય. પ્રશસ્તિના આનંદમાં પત્નીને ભાગ આપવાની ઈચ્છા તીવ્ર બનતાં સુનંદ ઊભો થયો અને આશ્લેષાના ખંડમાં ગયો.

'આશ્લેષા ! વાંચ આ મારી કવિતા ઉપરનું વિવેચન.' ઉત્સાહભર્યા સુનંદે કહ્યું.

'મારે નથી વાંચવું.' આશ્લેષાએ કહ્યું.

‘કેમ? એ શું ?'

'મને એમાં રસ નથી.'