પૃષ્ઠ:Kanchan Ane Geru.pdf/૧૮૨

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૧૭૪ : કાંચન અને ગેરુ
 

અણગમો હું કોની પાસે જાહેર કરું ? પત્ની પાસે જ ને? ઠંડી ક્રૂરતાપૂર્વક હું પત્નીને વિવિધ રીતે જણાવી શક્યો કે એ મારે લાયક પત્ની ન હતી. એને ન ચબરાકીભર્યું બોલતાં આવડે, ન સફાઈબંધ કપડાં પહેરતાં આવડે, ન એ મારી સાથે કલા કે સામ્યવાદ સંબંધી ચર્ચા કરી શકે ! હું તેને કદી કદી કહેતો : 'તું પચાસ વર્ષ પહેલાં જન્મી હોત તો આદર્શ પત્ની તરીકે પુજાત.'

એ રિસાતી પણ નહિ, ચિઢાતી પણ નહિ, છણકાતી પણ નહિ. મારાથી કદી કહેવાઈ જતું : 'તારા કરતાં હું કોઈ પથ્થરની પૂતળીને પરણ્યો હોત તો વધારે સારું થાત !'

કોઈ વાર તેની આંખમાં પાણી ચમકી ઊઠતું. પણ...હું શું કરું? મારું જીવન નીરસ બનાવવાનો મારી પત્નીને શું હક્ક ? એનું નામ પણ 'સુશીલા, હતું –જૂની ઢબનું ! એ કેમ ગમે ? એનું નામ 'શીલા' હોત તો પણ મને જરા ગમત. એક અક્ષર વધારે મૂકી એનું નામ પાડનારે એના નામની નવીનતા પણ ખોવરાવી હતી. સુશીલા ! એ તે કાંઈ નામ છે?

મને ગમે પેલી ખડખડ હસી શકતી અલક ! હું વાત કરું પેલી ચબરાક ચપલા સાથે ! કદી નીરસ વાત જ નહિ ને? હું ફરવા જાઉં પેલી સોહાગી સાથે ! સૌંદર્યના સઢ ઉડાડતી હોય એવાં જ કાંઈ કપડાં એ વીંટી લાવતી. કનુ દેસાઈએ ચીતરેલાં વસ્ત્રવર્તુલ બરાબર સોહાગીની આસપાસ રચાતાં ! અને શીર્ષ ઉપર પુષ્પવાડી સદા ય પાથરતી પેલી પ્રણયિની? આહ ! એની સાથે તો હું એકબે વાર નૃત્ય પણ કરી ચૂક્યો છું. નૃત્ય ! વળી પેલી પુરુષોનાં વસ્ત્ર પહેરી ફરતી નદી–સરવરમાં તરવાની શોખીન તરંગિણી? નવીનતાનો જાણે અવતાર ! નખ અને હોઠ છો બધાં ય રંગે; અને ગાલ ઉપર લાલી સૌ કોઈ છાંટે પણ તરંગિણી તો એવી સફાઈથી 'સ્મોક' કરતી હતી ! કહો તો તેનું નામ ધુમ્રસેરમાં ઉપસાવે !