પૃષ્ઠ:Kanchan Ane Geru.pdf/૧૮૪

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૧૭૬ : કાંચન અને ગેરુ
 


'સાંકાની સાથે? શું તું યે અલક ! મશ્કરી તો નથી કરતી ને? “શેન્કી” નામ ઉચ્ચારવાથી “સાંકો ” બદલાઈ નહિ જાય. તને તો એ નામ જ નહિ ગમે.'

‘માટે તો હું એને “શેન્કી” કહું છું. અને તેણે પિતાનું સાંકળચંદ નામ ફેરવીને “શંકરન્" કરવાનું કબૂલ કર્યું છે.'

અને ઘાવ વાગે એવી મારી અજાયબીની લાગણી વચ્ચે અલક સાંકાભાઈ સાથે પરણી ગઈ !

ચપલાની તો કંકોત્રી જ આવીને પડી. ચિનમુલંગડ નામના મદ્રાસ બાજુના કોઈ ટેનીસસ્ટાર સાથે તેણે લાગલી જ લગ્નવ્યવસ્થા કોઈને પૂછ્યા વગર કરી જ દીધી. કડવું મુખ કરીને પણ મારે એને સારી લગ્નભેટ આપવી પડી.

શો કદરૂપો આ મદ્રાસી ! ચિનમુલંગડ ! કાળો...

'અને જ્યારે પ્રણયિનીએ એક છોકરી જેવા દેખાતા નૃત્યકાર સાથે લગ્ન કર્યું ત્યારે તો મારી છાતી બેસી ગઈ, અને તરંગિણીને ખાસ એકાંત સ્થળે ફરવા લઈ જઈ મારે પૂછવું પડ્યું : 'તરગિણી એક સ્પષ્ટ વાત કહું? '

'જરૂર !' પુરુષની અદાથી સિગરેટ સળગાવતાં તરંગિણીએ જવાબ આપ્યો.

'હું તને ચાહું છું.'

'એ હું સમજી શકું છું.' એક ધુમ્રસેર ઉપજાવતાં તેણે કહ્યું.

'ચાહવાનું શું પરિણામ હોય તે તો જાણે છે ને?'

'હા. ચાહ્યા કરવું.'

'એ બરાબર. પરંતુ એની સ્પષ્ટતા લગ્નમાં પ્રગટ થવી જોઈએ.'

'પણ તું તો પરણેલો છે !'

'એ સ્નેહલગ્ન નથી, રૂઢિલગ્ન છે.'

'જે હોય છે. પણ હવે શું થાય ?'

'હું તને મારી સાથેના લગ્નનું આમંત્રણ આપું ?'