પૃષ્ઠ:Kanchan Ane Geru.pdf/૧૮૭

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
નવલિકામાંથી એક પાન : ૧૭૯
 

મારે ઘેર જ હોય. જમવું, પીવું, પત્તાં રમતાં, હોડ બકવી, વચ્ચે વચ્ચે નાસ્તો લેવો, વળી પાછું ખાવું પીવું, આઈસક્રીમ-ચા ફેરવવાં, કોઈને પૈસા ખૂટતા હોય તો આપવાઃ આ બધું 'ક્લબ' જીવનવાળાને સાધારણ જ ગણાય.

નવાઈ જેવું તો એ હતું કે મારી પત્ની ઘર આગળ આ બધી વ્યવસ્થા કરતી પરંતુ એ કોઈની દ્રષ્ટિએ સહેજ પણ પડતી નહિ. મારી અને મારી પત્ની વચ્ચે કેવો સંબંધ હતો તે સૌ કોઈ જાણતા હતા. અને જો એ કદાચ સામે દેખાય તો બધા વચ્ચે એની ધૂળ કાઢી નાખવામાં હું જરા ય સંકોચાતો નહિ. આછો પાતળો જે નશો મને ચઢતો તે મારી પત્ની ઉપર જ હું ઉતારતો હતો. અણગમતી પત્ની પુરુષની મર્દાઈનું પ્રદર્શન કરવામાં કામ લાગે ખરી !

એક વાર હોડમાં હું ભારે રકમ હારી ગયો. જુગારનું લેણું દેવું એ પ્રતિષ્ઠિત લેણું દેવું છે. ઘરનું ભાડું ન અપાય તો હરકત નહિ; ડૉક્ટરનું બિલ ન ચૂકવાય તો ચાલે; દરજીધોબીને ધક્કા ખવરાવાય. પરંતુ હારીએ એ રકમ તત્કાળ આપવી જ જોઈએ. એનું નામ ગૃહસ્થાઈ–જો જુગારમાં ગૃહસ્થાઈ હોય તો. પાંચે પાંડવો દ્રૌપદીને હોડમાં મૂકી હાર્યા અને તેનું વસ્ત્રહરણ ખુલ્લી આંખે જોઈ રહ્યા હતા ને? એ જ 'સ્પિરિટ’–એ જ રમતનું હાર્દ ! નશામાં રાજપાટ પણ હોડમાં મૂકી દેવાય. પણ હારીએ એટલે રાજપાટ મૂકી ચાલ્યા જઈએ એવું અમારું દિલ ! એક હર્ફ પણ ઉચ્ચારીએ નહિ.

ઘેર આવી મારા મુનીમને મેં હુકમ કર્યો કે એ રકમ મારા વિજેતાને ઘેર અત્યારે જ મોકલી દેવી.

મુનીમે કહ્યું: 'હવે એટલી રકમ ઊભી થઈ શકે એમ નથી, સાહેબ !'

'શું તમે આવી વ્યવસ્થા કરો છો? તમને મારે છૂટા કરવા