પૃષ્ઠ:Kanchan Ane Geru.pdf/૧૯

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
છેલ્લી વાર્તા : ૧૧
 

'મારી કવિતામાં કે કવિતાના વિવેચનમાં?'

'બન્નેમાં'

‘ત્યારે તો મારામાં પણ તને રસ નહિ રહ્યો હોય !' કવિતાનું અપમાન અસહ્ય બનતા સુનંદે પૂછ્યું.

‘ના; મને કવિ સુનંદમાં તલપૂર પણ રસ નથી.'

'કવિ સુનંદ તરીકે જ હું તને ગમ્યો હતો.' સુનંદને નવો જ અનુભવ થતો હતો.

'જિંદગીમાં એવી ભૂલ થાય છે ખરી.’

'શું ? તું શું કહે છે? ભૂલ થઈ લાગતી હોય તો...'

'સુધારી લઉં, એમ ને ? વારુ, એ ભૂલ સુધરી જાણો.'

આશ્લેષાએ મુખ ઉપર આછો તિરસ્કાર દર્શાવી કહ્યું. કવિ સુનંદન મસ્તકમાં શૂળ ભોંકાતી હતી. છતાં તે શાન્ત રહ્યો–જોકે કવિઓને ભભૂકી ઊઠવાનો પૂર્ણ અધિકાર હોય છે.

'શી રીતે સુધારીશ?'

'એક જ રસ્તો છે; હવે આજે છેલ્લી પસંદગી કરી લે. કાં તો કવિતા કે કાં તો હું !'

'કવિતા તો મારો શ્વાસ છે, આશ્લેષા !'

'તો આજથી–અત્યારથી જ મારે અને તારે છૂટાછેડા.'

'આશ્લેષા ! કેટલી યુવતીઓના પ્રેમપત્ર મારા ઉપર આવ્યા છે તે તું જાણે છે. મેં તને બતાવ્યા છે.'

'પસંદ કરી લેજે, એ પ્રશ્ન મારો નથી. આપણે આજથી જુદાં !'

સુનંદે હાથ ઉપર હાથ પછાડ્યો અને જમીન ઉપર પગ પછાડી તે ઓરડાની બહાર નીકળી ગયો. એને આખો દિવસ વ્યગ્રતામાં ગયો. લેખની પ્રશસ્તિ ફરી એણે વાંચી નહિ. તેનાથી આજે કવિતા પણ લખાઈ નહિ, વાર્તામાં પણ તે આગળ વધી શક્યો નહિં અને લેખ લખતાં વિષયાંતર થઈ તેને આશ્લેષા સાથે ઝઘડો જ યાદ આવ્યા કર્યો.