પૃષ્ઠ:Kanchan Ane Geru.pdf/૧૯૫

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
વેરભાવે ઈશ્વર : ૧૮૭
 

તક ધનિકો માટે ઘટતી જાય; અને ધંધો તથા ધંધામાંથી આવતો નફો એ બે જ ઈચ્છિત વસ્તુઓ સિવાય બીજે ધનિકનું ધ્યાન કેન્દ્રિત થઈ શકે જ નહિ. આમ બનવું સ્વાભાવિક ગણાય. તેમ ન કરનાર ધનિક બની શકે જ નહિ.

પત્ની, પુત્ર, પુત્રી તથા સગાંવહાલાંને પણ ધીમે ધીમે સુખનંદન વ્યક્તિ કરતાં સુખનંદન સરખું ધન ખેંચી લાવતું યંત્ર જ વધારે ગમવા માંડ્યું. સુખનંદન શેઠને ઘરમાં કુટુંબીઓ પ્રત્યે દ્રષ્ટિ કરવાની ફુરસદ રહેતી ન હતી, તેનો સહુને પ્રથમ થતો ખેદ ઘટી ગયો અને ધીમે ધીમે એમ પણ લાગવા માંડ્યું કે પત્ની, પુત્ર, પુત્રીના જીવનમાં પ્રવેશવાની પિતાને જરા ય જરૂર પણ ન હતી. કુટુંબનાં સુખ, સમૃદ્ધિ, વૈભવ ચાલુ રહે એ ઉપરાંત કુટુંબમાં સુખનંદન શેઠની હવે વધારે કિંમત હતી નહિ.

શેઠ પણ ધંધાની આંટીઘૂંટી તથા નફાના વધતા ચાલેલા ઢગલાને નિહાળી પૂર્ણ આનંદ પામતા હતા. એ ધન પુંજની વચમાં કુટુંબ આવે તો કુટુંબને પણ ફેડવાની તેમની તૈયારી હતી. એ સિવાય બીજો આનંદ જ્યારે જોઈએ ત્યારે શેઠને મળી રહે. શેઠ માગે તે આપવાની ધનમાં તાકાત હતી. શેઠ ધારે ત્યારે પત્ની કરતાં પણ વધારે સુંદર અને ઓછી જવાબદારી ઉત્પન્ન કરતી સુંદરી તેમને મળી શકતી. ઘરનું ભોજન ન ભાવે તો હોટેલનું વ્યવસ્થિત ખાણું –અને પીણું પણ–શેઠ માગે ત્યારે મળતું. અને બાળકો..? પૂર્ણ સાધન સગવડમાં રહે એથી વધારે બાળકો શું માગે? શાળામાં જવા માટે બાળક દીઠ કાર તેમણે વસાવી હતી. પહેલા વર્ગમાં આગગાડીની મુસાફરી કરવાની બાળકને છૂટ હતી. લૂગડાંઘરેણાં વ્યાપારીઓ કરતાં બાળક પાસે વધારે હતાં. એક સંગીતશિક્ષક પણ બાળક માટે રાખ્યો હતો. બાળકો બીજું શું માગે? યુરોપઅમેરિકાના પ્રવાસ માટે પણ પૂરતી સગવડ હતી. શેઠ પોતે પણ સારા મુસાફર હતા. યુરોપ, અમેરિકા, જાપાન, ચીન તેમને ઘર