પૃષ્ઠ:Kanchan Ane Geru.pdf/૧૯૮

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૧૯૦ : કાંચન અને ગેરુ
 

કોને ક્યાં નાખશે એની ખાતરી નહિ. સભાઓમાં અને અમલદારો પાસે વિવેકના સાગર ઠાલવતા ધનિકો ઘરમાં, પોતાની ઑફિસમાં કે પોતાના કારખાનામાં કેટલો વિવેક રાખે છે એ નોકર બન્યા સિવાય ભાગ્યે જ કોઈથી સમજી શકાય ! સુખનંદનનો વિવેક જાણીતો હતો.

'કે પાંચેક ટકા નફો કારીગરોને આપીએ...' ઈશ્વરે કહ્યું.

'અને પાંચેક ટકા અમને બક્ષિસ આપો, શેઠ સાહેબ ' દેવદાસે હિંમત કરી કહ્યું.

'તમે તે માણસ છો કે ઢોર? કર્યો તમે વેપાર? હું તો કહેતો હતો કે પાંચસો શ્રીનાથજીમાં મોકલીએ, અઢીસો રણછોડરાયમાં, એકસો એક સ્વામી મહારાજને ચરણે અને...ઠીક, થોડું પાંજરાપોળમાં...! આ તો નફાની ટકાવારી જ લેવા ઊભા થયા..!' શેઠ ગુસ્સે થયા.

'શેઠસાહેબ ! માફી માંગીએ છીએ. પણ..... અમે આપના જ છીએ, અને નોકરી પણ વફાદારીથી કરીએ છીએ. આપની બરકતમાં અમારું પણ નસીબ ખરું ને?' દેવદાસે કદી ન વાપરેલી સ્પષ્ટતા આજ કરી.

'તે... તમારા મગજમાં એમ રાઈ ભરાઈ ગઈ હોય કે તમારે લીધે જ મારો વ્યાપાર ચાલે છે... તો આવતી કાલથી ઘેર જ રહેજો. મારો દીકરો મોટો થયો છે. હવે એ બધું સંભાળી શકશે.' સુખનંદન શેઠે કહ્યું.

રાજપુત્રોની માફક ધનિકપુત્રો પણ ધંધાની અનેક ગાદીઓ આમ જ હાથ કરી લે છે. ધનવાન પિતાનો પુત્ર એટલે સકળ ગુણ અને સઘળી આવડતસંપન્ન ધંધાદારી.

બીજે દિવસે ઈશ્વરદાસ ઑફિસમાં આવ્યો, પરંતુ દેવદાસ ન આવ્યો.

'કેમ ઈશ્વર ! પેલો દેવદાસ નથી આવ્યો શું ?' શેઠે પૂછ્યું.