પૃષ્ઠ:Kanchan Ane Geru.pdf/૨૦૩

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
વેરભાવે ઈશ્વર : ૧૯૫
 

ખામીભર્યું છે, એમ પુરાવાર કરવાના રસ્તા લીધા. અમલદારો બહુ નિષ્પક્ષ હોય છે. દેવદાસની એક આખી મોટરકાર એન્જિનિયર સાહેબના મહેમાનો માટે ફેરવવામાં વપરાય તેથી દેવદાસ વિરુદ્ધ તપાસ કરવામાં તેમને કશી હરકત આવતી નથી. એકને બદલે બે કાર એમાંથી આવવાનો સંભવ !

પરંતુ દેવદાસ સુખનંદનનો જૂનો ઇતિહાસ પણ જાણતો હતો, અને નવો ઇતિહાસ પણ જાણતો હતો. એનો જૂનો સહકાર્યકર ઈશ્વરદાસ છૂપી રીતે દેવદાસને ખૂબ જ વફાદાર રહ્યો. અને શેઠની નોકરીમાં ચાલુ રહ્યો હતો તે પણ દેવદાસને સહાય આપવા માટે જ એમ કહેવામાં હરકત નહિ. દેવદાસે તેનો ભાગ પણ એટલા જ ખાતર પોતાના ધંધામાં રાખ્યો હતો. એટલે દેવદાસે સુખનંદન સામે લેખિત આક્ષેપો ખોટે ખરે નામે મુકાવ્યા : જેમાં ખોટા હિસાબ રાખ્યા બદલ, ખોટા દસ્તાવેજો કર્યા બદલ, સરકારનો આયપતવેરો ડુબાવ્યા બદલ, લોકો સાથે ઠગાઈ કર્યા બાબત વિગતો હતી; અને એ વિગતો સાબિત થાય તો સુખનંદનને જિંદગીભર કેદખાને જવું પડે એમ હતું.

અને કયો ધનિક ગુનો કર્યા વગર ધનવાન થઈ શક્યો હશે? ગુનો પકડાય નહિ તેથી ગુનો નથી કર્યો એમ તો કહી શકાય જ નહિ ! પ્રામાણિકપણું કોઈ પણ માણસને ધનિક બનાવી શકે જ નહિ – વીસમી સદીમાં તો નહિ જ ! હિંદમાં કે હિંદ બહાર !

તેમાં સુખનંદનના નિષ્ણાત પુત્ર 'ભાઈ' એ સટ્ટો કરી સારી રકમ ગુમાવી, પરણવાનું વચન આપી 'ભાઈ'એ વિશ્વાસઘાત કર્યો એવી એક નટીએ કોર્ટમાં ફરિયાદ કરી. છાપાંવાળાઓએ કોણ જાણે કેમ વિશેષ કાળજી રાખી એ અંગત બનાવને જગજાહેર કર્યો અને દારૂ પી વધારે ઝડપથી હાંકવાના ગુના બદલ પોલીસખાતાએ 'ભાઈ'ને પકડી જામીન ઉપર મુશ્કેલીએ છૂટા કર્યા એની પણ વિગતો છાપાંએ આપી.