પૃષ્ઠ:Kanchan Ane Geru.pdf/૨૦૮

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૨૦૦ : કાંચન અને ગેરુ
 

આપી.

લગ્ન અને મરણ પ્રસંગે ધનિકો અચુક એકબીજાને ત્યાં ભેગા થવાના જ. તેમાં યે શોકનો સ્વાંગ સજી દેવદાસ આવ્યો ત્યારે તો સહુને આશ્ચર્ય લાગ્યું. દેવદાસના શોકનો પાર ન હતો. તે ઠીક ઠીક રડ્યો પણ ખરો, શેઠના શબને તે પગે લાગ્યો અને શબ ઉપર સારામાં સારો ફૂલહાર તેણે ચડાવ્યો. ઉપરાંત તેણે શેઠના શબને ખાંધ આપી ત્યારે તો સહુના હૃદયમાં વિસ્મયનો વરસાદ વરસ્યો !

એક ખીલતા ધનિકે તો પૂછ્યું પણ ખરું: 'દેવદાસભાઈ ! તમારે અને સુખનંદનને તો હરીફાઈ હતી ને? વેર જેવું !'

'વેર ? હું તો શેઠની છબીને પગે લાગી આંખ મીચું છું અને જાગું ત્યારે પહેલાં જ એમનાં દર્શન ! વેર ? હું તો એમને પગલે ચાલી આગળ આવ્યો છું. લોક ભલે વેર માને. વેર હોય તો ય વેરભાવે એ મારા ઈશ્વર હતા...!' દેવદાસની આંખ ભીની થઈ.

ખીલી ચૂકેલા બીજા ધનિકે કહ્યું : 'દેવદાસભાઈ ! તમારે તો કાસળ કાઢ્યા જેવું થયું.'

'કેમ એમ બોલો છો, શેઠ?'

'આ સુખનંદન વિરુદ્ધના બધા દાવાદુવીની ભાંજઘડ હવે..'

'શું લોકો પણ છે? શેઠ તો મારા વડીલ હતા, વડીલ ! એકે દાવામાં હું ફરિયાદી કે સાહેદ હોઉં તો મને કહો !' દેવદાસે કહ્યું.

'એમ?' જરા સૂચક આંખ કરી ધનિકે પૂછ્યું.

'મેં તો નિશ્ચય કર્યો છે કે સુખનંદન શેઠનું સ્મારક કરવા પચાસ હજાર વેગળા મૂકવા.' દેવદાસે કહ્યું.

અને દેવદાસની આ વાત છાપામાં પણ આવી. આખા શહેરને આશ્ચર્ય ઊપજ્યું; સાથે સાથે સુખનંદનના ઘરને પણ આશ્ચર્ય ઊપજ્યું. શેઠનો એકનો એક દુશ્મન આમ ઉદારતા અને ભક્તિભાવ કેમ બતાવતો હતો? નિત્ય ઉઠમણા સુધી તે નિયમિત બેસણામાં આવતો અને તેરમો દિવસ વીત્યે કુટુંબને આશ્વાસન આપવા તે