પૃષ્ઠ:Kanchan Ane Geru.pdf/૨૧

વિકિસ્રોતમાંથી
દિશાશોધન પર જાઓ શોધ પર જાઓ
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
છેલ્લી વાર્તા : ૧૩
 

'હું તારી તબિયત પૂછવા આવ્યો છું.'

'છેડો છૂટો થયા પછી તને એ પૂછવાનો અધિકાર નથી. જા.' કહી આશ્લેષાએ બારણું બંધ કરી દીધું.

સુનંદે ધાર્યું કે પ્રભાતનાં અજવાળા સાથે આ બુદ્ધિ અને ઊર્મિના ઘટ્ટ બનેલાં ધુમ્મસ ઓગળી જશે. નિદ્રા ન કહી શકાય એવી નિદ્રામાંથી એ પ્રભાતે ઊઠ્યો. નિયમાનુસાર તેની ચા આવી નહિ અને હૃદયનો થડકાર સહેજ વધી ગયો. નોકરને બૂમ મારી, પૂછ્યું : 'ચા કેમ નથી લાવ્યો?'

'લાવું સાહેબ, તૈયાર કરીને.'

'બાઈ ક્યાં છે?'

'એ તો, સાહેબ, કોણ જાણે ! ઘરમાં તો નથી. હું એ જ જોતો હતો.'

સુનંદે આખું ઘર શોધ્યું. આશ્લેષા ક્યાં ચાલી ગઈ હશે? એ તેજસ્વી સ્ત્રી આપઘાત તો ન જ કરે ! પણ શું કહેવાય ? ઊર્મિલ સ્ત્રીનું શું પૂછવું ? પોતે એવો ભારે દોષ શો કર્યો હતો ? સ્વદોષ કદી સમજાતો જ નથી.

પાસેના નાનકડા મકાનની બારીમાં કોણ ઊભું હતું ? આશ્લેષા? જીવંત તો છે ! ભલે એ ગઈ. આજ નહિ તો કાલ પાછી આવશે. પણ...પણ...આ છાપું શું બોલતું હતું ? ભડકા જેવા અક્ષરે એ સુનંદના નામને અગ્રપૃષ્ઠ ઉપર કેમ ચીતરતું હતું ? સુનંદની અને આશ્લેષાની છબીઓ શી ? એક જ નહિ, ત્રણચાર છાપાંમાં એની એ જ વાત ! | |

'જાણીતા મહાકવિ અને લેખકનાં
પત્નીએ કોર્ટમાં માગેલા છૂટાછેડા !'