પૃષ્ઠ:Kanchan Ane Geru.pdf/૨૧૪

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૨૦૬ : કાંચન અને ગેરુ
 


'કોણે આ મોગરા ઉજાડી નાખ્યા ? કયો એ હરામખોર રાતમાં આવી મારો બગીચો ખેદાનમેદાન કરી ગયો ?... અને ઘરમાં પણ બધા યે આટલાં ઊંઘણશી ? આટલી વેલો કરડી ખાધી છતાં કોઈ જાગ્યું જ નહિ ?..શાની હોય કોઈને કાળજી ?'

હું કેમ જાગ્યો નહિ એ મેં મને પૂછ્યું નહિ, પરંતુ તે રાત્રે હું મોટે ભાગે જાગતો જ રહ્યો. જરા બારી ખખડે, પવન સુસવાય, કૂતરાં ભસે કે વાડ પાસે સહેજ પગરવનો ભાસ થાય કે હું તરત ઊઠી જતો અને ડંગોરો લઈ બગીચામાં ફરી વળતો.

બગીચામાં જ નહિ પણ બગીચાની આસપાસ એક એક ગાઉ સુધી કશું હાલતું ચાલતું દેખાતું કે સંભળાતું નહિ, અને ચોર પકડવાની નિષ્ફળતા અને નિરર્થક ઉજાગરાની બેવકૂફી એમ બે ઘા સહી હું પાછો સૂઈ જતો.

જાગવાનો નિશ્ચય કરી સૂતેલો હું છેક મળસ્કે કોણ જાણે કેમ નિદ્રાવશ થઈ ગયો. અને દિવસ જરા ચઢતાં નિત્યક્રમ પ્રમાણે ઊઠીને જોઉં છું તો પાછા બીજા મોગરા પણ મેં વીંખાયલા જોયા ! મારો ઉજાગરો વ્યર્થ ગયો. અને ચોરે મારા ઉપર વિજય મેળવ્યો !

પહેલા દિવસ કરતાં મે વધારે મોટી બૂમો પાડી. આખી વાડ હું જોઈ વળ્યો. એકાદ જગાએ તાર સહેજ નમેલો લાગ્યો; તે ખેંચી મેં વાડને મજબૂત બનાવી. વાડની આસપાસ કોનાં પગલાં પડેલાં છે તે મેં કાળજીપૂર્વક જોયું. માનવી, બકરાં, ગધેડાં અને કૂતરાંનાં પગલાં પણ મેં ઓળખ્યાં. માનવી તો મોગરા કરડે જે નહિ ! કૂતરાં પણ વનસ્પતિને દાંત ન મારે.

મેં આખા ઘરને તે રાતે જગાડ્યું અને વારાફરતી સહુ પાસે પહેરા પણ ભરાવ્યા. એ રાત્રે બાગમાં કશું જ નુકસાન થયું નહિ. ખરેખર કોઈ લુચ્ચું, ચતુર, ખંધું, ચોરી કરવા ટેવાયેલું જાનવર મારા બગીચાને વેડફી રહ્યું હતું એમ મારી ખાતરી થઈ.

દિવસે પણ આખું ઘર જાગ્યું. અને બગીચામાં કશું નુકસાન