પૃષ્ઠ:Kanchan Ane Geru.pdf/૨૧૫

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
ડબામાંની ગાય : ૨૦૭
 

દેખાયું નહિ. પરંતુ બગીચાની સાચવણી માટે આખી રાત આખું ઘર ઉજાગરો કર્યા જ કરે એમ આગ્રહ રાખવામાં હું મારા કુટુંબીજનો ઉપર વધારે ભાર નાખતો હવે એમ મને લાગ્યું – અને કુટુંબીજનોએ તો ક્યારનો તેમના મુખ ઉપર એવો ભાવ પ્રદર્શિત કરવા માંડ્યો કે જાણે હું કોઈ ક્રૂર રાક્ષસ ન હોઉં ? બગીચાનો શોખ મારા જેટલો જ સર્વ કુટુંબીઓમાં હોવો જોઈએ એવી શરત કરીને કાંઈ આપણે કુટુંબરચના કરતા નથી. એટલે ચોથા દિવસે મેં મારી ઉગ્રતાને નમ્ર બનાવી—જોકે તે રાત્રે હું વારંવાર જાગી ઊઠતો ખરો.

'મારી પત્નીએ રાતના મારા આ ઉત્પાત અંગે એક ભયંકર આગાહી પણ આપી : 'જો જો ! આમ ને આમ બગીચા પાછળ ઘેલા ન થઈ જવાય !'

લગ્નની પ્રાથમિક ભૂમિકામાં જો મારી પત્ની આટલી હિંમત કરી હોત તો મેં તેને જરૂર છૂટાછેડા આપી દીધા હોત ! વર્ષ બે વર્ષ માટે તો તેને તજી દીધી હોત. પરંતુ પત્નીઓમાં એક પ્રકારની એવી લુચ્ચાઈ રહેલી હોય છે કે જેના બળ વડે તેઓ પતિની નિઃસહાયતા ધીમે ધીમે વધારતી જાય છે અને એ નિ:સહાયતાના પ્રમાણમાં તે પોતાની કટાક્ષહિંમત અને બોલનીતીક્ષ્ણતા પણ વધારતી જાય છે.

કાંઈ પણ બોલ્યા વગર ડંગોરો ખખડાવી હું સૂઈ ગયો, પણ મારો અંતર્યામી જાગતો જ હોવો જોઈએ. એ અંતર્યામીએ કોણ જાણે કેમ મને જાગ્રત કર્યો. આછો ખખડાટ બગીચામાં થતો મેં સાંભળ્યો. કોઈ માનવી કે હરાયું જાનવર બગીચામાં ભરાયું હશે એવી મારી ખાતરી થઈ — જોકે ચાર દિવસના ઉજાગરા સહુને કરાવ્યા પછી ચોર મળે નહિ તો કુટુંબમાં મારી ઘેલછાની ખાતરી થઈ જશે એનો ભય પણ લાગ્યો. પત્ની બિલકુલ ન જાગે એવી કાળજી રાખી દંડો લઈ હું બગીચામાં કૂદી પડ્યો, અને અંધારામાં