પૃષ્ઠ:Kanchan Ane Geru.pdf/૨૧૮

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૨૧૦ : કાંચન અને ગેરુ
 

એને વધારે ઓળખે.

સવારમાં ઊઠી મેં નોકરને જગાડ્યો, અને પ્રથમ ગાયને ડબામાં મૂકી આવી પછી બીજે કામે વળગવા તેને મેં જણાવ્યું.

ગાય ઊભી જ હતી. ખીલેથી છોડી નોકર, તેને દોરી જવા લાગ્યો ગાયે–ગાયના હાડપિંજરે–દોરાવામાં જરા ય વાંધો લીધો નહિ, જોકે હરાયાં જાનવરને ડબામાં પૂરવા લઈ જવાં એ મહા વિકટ પ્રસંગ ગણાય. ગાય ચાલતી જ હતી છતાં નોકરે પાછળ ફરી એક ડાંગ તેને વગર કારણે લગાવી દીધી, અને પાછાં ગાયનાં હાડકાં ખખડી ઊઠ્યા.

'શા માટે નાહકનો મારે છે ગાયને ?' મેં કહ્યું. ગાયને થયેલા ત્રણે ય પ્રહાર હજી મારા કાનમાં ગુંજી રહ્યા હતા. ત્રણમાંથી બે પ્રહાર તો મેં જ કર્યા હતા ! છતાં ત્રીજો નોકરે કરેલ પ્રહાર મને બિલકુલ ગમ્યો નહિ ! ગુનાની સજા ખમવાને તૈયાર થયેલા ગુનેગારને વધારાનો ફટકો મારવાની સગવડ ગમે ખરી; પરંતુ એ સગવડનો લાભ લેવાની વૃત્તિ મારામાં ખીલી હશે તો ય તે આ ગાયને અંગે કરમાઈ ગઈ.

નોકર દોરતો હતો અને ગુનેગાર ગાય ચાલી જતી હતી. થોડી વાર સુધી હું નોકર તથા ગાય એ બંને પ્રાણીઓને જોઈ રહ્યો

ગાયે પાડી નાખેલા રોપાઓને મેં ફરી ચોંટાડ્યા આસપાસ માટી નાખી; પાણી પાયું; અને સાબૂત રહી ગયેલા છોડની આસ પાસનાં ઘાસતરણાં કાઢી નાખ્યાં. વનસ્પતિનો સ્પર્શ પણ મને આહ્લાદજનક લાગતો. બીજું કોઈ જાનવર મારા બગીચામાં રંજાડ કરશે નહિ એવા વિચારે મને આનંદ પણ થયો. ચાર ચાર દિવસથી જેને પકડવા હું મથતો હતો તે ચોર આજે પકડાયો. એની બહાદુરીભરી પ્રફુલ્લતા પણ આનંદને ઉત્તેજિત કરતી હતી. જે વાડનો ભાગ સહજ ઢીલો પડી ગયો હતો તે ભાગને મેં મારા હાથે જ મજબૂત કર્યો. બગીચામાં વધારાના ક્યા ફૂલછોડ રોપવા તેનો હું