પૃષ્ઠ:Kanchan Ane Geru.pdf/૨૨

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૧૪ : કાંચન અને ગેરુ
 

‘સુવિખ્યાત સાહિત્યકાર સુનંદ અને
તેમનાં પત્નીનો કોર્ટે ચડેલો મામલો !”

'સમાજને હૈયે વસી રહેલા કવિ સુનંદ ઉપર તેમનાં પત્નીએ
મૂકેલો ક્રૂરતાનો આરોપ અને માગેલી લગ્નવિચ્છેદની રાહત.'

સુનંદે આંખ ઉપર હાથ ફેરવ્યો, કપાળ ઉપર હાથ ફેરવ્યો, સામે આવેલી પાસેના ઘરની બારી સામે જોયું. આશ્લેષા જ બારીએ ઊભી ઊભી તેના હૃદયમંથનને નિહાળતી હતી શું ? છેવટે એણે આ જ માર્ગ લીધો ? હરકત નહિ. કોર્ટમાં પુરવાર કરી શકાશે કે સુનંદે કદી ક્રૂરતા કરી જ ન હતી ! આખું ગુજરાત એકસાથે બોલી ઊઠશે કે મહાકવિ સુનંદના હૃદયમાં ક્રૂરતા હોઈ શકે જ નહિ !

બેત્રણ છાપાંઓના તંત્રીઓ આવ્યાં, આઠદસ સાહિત્યમત્રો આવ્યા, આઠદસ સાહિત્યહરીફો આવ્યા; અને સહુએ સહાનુભૂતિ નીતરતી વાણીમાં આ અવનવા સમાચારનું રહસ્ય પૂછ્યું. સુનંદે સહુને એક જ જવાબ આપ્યો : 'મને કંઈ જ ખબર નથી.'

'આશ્લેષાબહેનને અમે કાંઈ પૂછી શકીએ ?'

'એ ઘરમાં નથી.'

'એ...મ. ત્યારે કાંઈ મતભેદ, ઝઘડો...'

'કાંઈ જ જાણતો નથી.'

'કેસ લડશો તો ખરા ને ? '

'શા માટે? આશ્લેષાની મરજી છૂટાછેડા લેવાની હોય તો હું શા માટે ક્રૂર બનીને લડું ?'

'હાં...ત્યારે...કાંઈ છે ખરું.'

સલાહકારો, પત્રકારો અને જિજ્ઞાસુઓ સામે અંતે તેણે બારણાં બંધ કર્યાં. પરંતુ કોર્ટ તરફથી આવેલા સંદેશવાહકને તો આવવા દીધા વગર ચાલ્યું જ નહિ. સુનંદ ઉપર ક્રૂરતાનો આરોપ મૂકી લગ્નવિચ્છેદની માગણી કરતી આશ્લેષાની અરજીનો જવાબ દિન આઠમાં સુનંદને આપવા કોર્ટે ફરમાન કાઢ્યું હતું. ફરમાન તેણે લઈ લીધું.