પૃષ્ઠ:Kanchan Ane Geru.pdf/૨૨૮

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૨૨૦ : કાંચન અને ગેરુ
 

ચારેપાસ બગીચો નિહાળી ચંદ્રાનને પૂછ્યું.

'બાગ તો હું અને મા સાચવીએ છીએ... દેખરેખ ઘણી રાખું છું.' રાજી થઈ રશ્મિએ સુંદર પુષ્પસૃષ્ટિ સર્જવામાં ધનવાનોના દેખરેખ વિભાગ ઉપર ભાર મૂક્યો. જમીન ખોદવી કે પાણી પાવું એ તો મજૂરીનું કામ ! ધનિકોનાં પુત્ર-પુત્રી તે ન જ કરે!

રશ્મિની બે બહેનપણીઓ અને ત્રણેક યુવક મિત્રો પણ ચન્દ્રાનનને માન આપવા આવ્યાં હતાં. તેમનો પરિચય કરાવી સુંદર રીતે શણગારેલ દીવાનખાનામાં ચન્દ્રાનનને બેસાડી રશ્મિ પોતાનાં માતા-પિતાને બોલાવવા દોડી ગઈ. બાળકોનાં મિત્રો કે માનપાત્ર વ્યક્તિઓનું મહત્ત્વ મા-બાપને ન હોય એ સ્વાભાવિક છે; એટલે વડીલો પોતાના મિત્રો કે આમંત્રિત વ્યક્તિઓને સામે લેવા આવે એમ બાળકોનાં મિત્રો કે પૂજ્ય વ્યક્તિઓ માટે ન કરે એ પણ સ્વાભાવિક છે.

'એમ?...પેલા તારા કવિ આવી ગયા શું ? ચાલ આવું... તારી માને બોલાવ.' પિતાએ પુત્રીનું મન રાખવા તકલીફ લીધી.

'મા તો હજી તૈયાર નથી. ચા ઉપર આવશે એમ કહે છે.' કહી રશ્મિ પિતાને લઈ દીવાનખાનામાં આવી પહોંચી.

'આ મારા પિતા !... આ કવિ ચન્દ્રાનન !' રશ્મિએ નવી ઢબે પરસ્પર પિછાન કરવી.

'આપનું નામ તો, કવિસાહેબ ! બહુ જાણીતું છે. દર્શનનો લાભ આજે મળ્યો' વલ્લભદાસે વિવેક કર્યો. ધનિકો ધારે ત્યારે સરસ વિવેક કરી શકે છે.

'હું પણ એ જ કહેવા જતો હતો, સાહેબ ! આપને માટે. આપને જોઈ મને બહુ આનંદ થયો.' ચન્દ્રાનને કહ્યું.

ચન્દ્રાનન નમ્ર અને સૌજન્યભર્યો જરૂર દેખાતો હતો, પરંતુ વલ્લભદાસની સંપત્તિ અને તેમનો વૈભવ નિહાળી તેની આંખો ફાટી જશે એવી ધારણા વલ્લભદાસે રાખી હોય તો તે સફળ ન નીવડી. અસામાન્ય સાધનવર્તુળમાં પોતે બેઠો હોય એવું કાંઈ