પૃષ્ઠ:Kanchan Ane Geru.pdf/૨૨૯

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
વણઉકલી વાત : ૨૨૧
 

ચન્દ્રાનનના મુખ ઉપર દેખાયું નહિ.

'આ અમારી રશ્મિ તો દિવસરાત તમારી જ વાત કર્યા કરે છે.' વલ્લભદાસે કહ્યું.

'આપની પુત્રીમાં છે એવો લક્ષ્મી અને સરસ્વતીનો સંયોગ મુશ્કેલ હોય છે.' ચન્દ્રાનને કહ્યું.

'આપનું એકેએક કાવ્ય અમારા પુસ્તકાલયમાં છે.'

'સંસ્કારી કુંટુબોની વાત જ જુદી છે...' પોતાનાં વખાણ સાંભળતાં ઊપજતા મૂર્ખતાદર્શક ભાવ ટાળવા ચન્દ્રાનને વલ્લભદાસના કુટુંબને વખાણ્યું.

‘અને રશ્મિની મા તો તમારાં પુસ્તકો અને તમારી છબી પણ પોતાના ખંડમાં જ રાખે છે...' પત્નીના સંસ્કારનું પ્રદર્શન કરવું રહી જાય એ આજના ધનિકોને બિલકુલ ગમતું નથી. વાત પણ સાચી હતી. થોડાં સારાં પુસ્તકો અને થોડી સારી રીતે ગોઠવેલી છબીઓમાં ચન્દ્રાનનનાં પુસ્તકો અને તેની એક નાની છબીને પણ શશીકલાના ઓરડામાં સ્થાન હતું ખરું.

બહુ ઉત્સાહપૂર્વક ચન્દ્રાનન સાથે સવાલ-જવાબ અને વાર્તાલાપ થયા. મોટાઈની છાપ પામેલા વિદ્વાનો બહુ જ સાધારણ પ્રકારનું – અગર મૂર્ખાઈભર્યું પણ બોલે તો ય તેમના ભક્તોને એમાં ભારે ઊંડાણ રહેલું દેખાય છે. મોટા પુરુષો કેટલે વાગ્યે સૂએ છે અને કેટલે વાગે ઊઠે છે, ચા કેટલી વાર પીએ છે, બીડીઓને ધુમાડો કેવી ઢબે કાઢે છે, બીડી નહિ તો બીજા ક્યાં વ્યસનોને તેઓ મહત્ત્વ આપે છે, તેઓ સતત લખે છે કે ટુકડે ટુકડે અને લખતાં વચ્ચે રુકાવટ થાય તો તેઓ ગુસ્સે થાય છે કે નહિ, ગુસ્સે થાય ત્યારે તેઓ બૂમ પાડે છે કે માત્ર આંખનાં ભવાં જ ચઢાવે છે, તેમને સંગીતનો શોખ ખરો કે નૃત્યનો, રોજ તેમને કેટલા પત્રો વાંચવા પડે છે અને કેટલા પત્રોના શા જવાબ આપવા પડે છે, જમવામાં ચમચા-કાંટા વાપરે છે કે ઈશ્વરેદીધી આંગળીઓ, તેઓ