પૃષ્ઠ:Kanchan Ane Geru.pdf/૨૩૯

વિકિસ્રોતમાંથી
Jump to navigation Jump to search
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
સિનેમા જોઈને : ૨૩૧
 

કોઈ નવું ઘરેણું વસાવવાનું વચન આપે છે!

વળી પુરુષોની પ્રણાલિકા પુરુષરુદનની વિરુદ્ધ જાય છે. પુરુષથી પત્ની સાથેના ઝઘડામાં કદી રડાય જ નહિ એવો સમાજનો અલિખિત કાયદો છે, અને પુરુષોને પાળવો જ પડે છે.

અને પુરુષો અપવાદરૂપે એ કાયદો કદાચ ન પાળે તો રડતા પતિને કોઈ પણ પત્ની કદી મનાવતી, સમજવતી કે પટાવતી નથી; ઊલટું, અથવા રોતલ પતિને તે હસે છે અને તિરસ્કારે છે. સ્ત્રીપુરુષના સમાન હક્કની બાબતમાં રુદનનો પતિહક્ક હજી સ્વીકારાયો નથી.

આ વિવેચનની જરૂર એટલા માટે કે બીજી સ્ત્રીઓની માફક વીણા ઝટ રડતી નથી – અરે, કદી રડતી નથી એમ કહું તો ચાલે ! રડવાથી ઝઘડાનો ઝટ નિકાલ આવી જાય છે. પરંતુ જીભાજોડીમાં પત્ની પોતાના હક્કને વળગી રહી રુદન ઉપર ન જ ઊતરે તો પછી બીજું શું થાય ? ઝઘડો વધે જ. આમ એક દિવસ અમારો ઝઘડો વધી ગયો.

વીણા મારા જેટલું જ ભણી હતી. કદાચ મારા કરતાં એના 'માર્કસ' પરીક્ષામાં વધારે પણ હશે ! સ્ત્રીઓને જ્યારથી નોકરીમાં પ્રવેશ મળ્યો છે ત્યારથી એ પણ બીક રાખવાની જ કે પુરુષ કરતાં સ્ત્રીને વહેલી અને વધારે પગારની નોકરી મળે એ બહુ જ સંભવિત ગણાય ! એવી સ્ત્રીઓને પત્ની તરીકે પાળવી એ પુરુષને માટે જોખમભરેલું થઈ પડે છે !

પરંતુ એ જોખમ ખેડ્યા વગર કોનું ચાલ્યું છે? આમે ઓછું ભણેલી સ્ત્રી જોખમરૂપ તો છે જ. ભણેલી સ્ત્રી ભારે જોખમરૂપ !

ઝઘડામાં હું વધારે સખત થયો, પરંતુ તે રડી નહિ; મારા મનમાં હતું કે જરા કડકાઈ બતાવું અને વીણા રડી પડે તો વિશ્વનિયમ અનુસાર સમાધાન સરળ બની જાય. ભમ્મર ચઢાવી મેં કહ્યું : 'વીણા ! છૂટાછેડાનો કાયદો હવે હિંદુ સંસારને લાગુ પડ્યો છે, હો !'