પૃષ્ઠ:Kanchan Ane Geru.pdf/૨૪

વિકિસ્રોતમાંથી
દિશાશોધન પર જાઓ શોધ પર જાઓ
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૧૬ : કાંચન અને ગેરુ
 

બોલાવી પાસે બેસાડવાનું પણ મન થયું. અને મનમાં પોતાની નિર્બળતા નિહાળી એ ભાવને તેણે દૂર પણ કર્યો.

ચિઠ્ઠીની નીચે જ તેણે જવાબ લખ્યોઃ

'આશ્લેષા !

હું આજ જમ્યો નથી એ સાચી વાત છે. પરંતુ હું પત્નીની રસોઈથી ટેવાયો છું – પાડોશીની નહીં. એટલે થાળ હું સાભાર પાછો મોકલું છું. એમાં ઝેર નથી એવી ખાતરી આપવાની જરૂર ન હતી. બીજે ક્યાં ક્યાં ઝેર છે તે હું આજથી શોધતો બની ગયો છું.

સુનંદ
 


ચિઠ્ઠી સાથે તેણે થાળ પાછા મોકલાવ્યો, અને હીંચકા ઉપર જ તેણે દેહને લંબાવ્યો. આશ્લેષા બારીમાંથી અને હીંચકા ઉપર હોય એવો ભાસ થયો. સુનંદે પોતાની બારી પણ બંધ કરી અને આંખ મીંચી.

સામે આશ્લેષા આવી ઊભી હતી શું ?

'આશ્લેષા ! છેવટે તેં છૂટાછેડા જ માગ્યા?’

'બીજો મારે ઇલાજ શો હતો ? કવિતાના ધુમાડામાં તું કાળો પડી ગયો છે. એક મહારાણીની છટાથી આશ્લેષા બોલી.

પણ...પણ...આશ્લેષા હતી જ ક્યાં ? આંખ ઉઘાડીને જોયું તો સુનંદને ઓરડો ખાલી લાગ્યો.

આજે ભ્રમણામાં પણ આશ્લેષા જ દેખાયા કરતી હતી. એની છટા ખરેખર મહારાણી અને તે આજની છિછલ્લી મહારાણી નહિ, પરંતુ મધ્યકાલની રૂપસત્તાભરી મહારાણીની યાદ આપતી હતી. નહિ?

'હું મહારાણી પણ છું અને ફૂલરાણી પણ છું.' ફૂલફૂલનાં ઘરેણાં પહેરી આશ્લેષા ઓરડામાં પ્રવેશ કરતી હતી.

'મને તારાં ઘરેણાં અને તારો દેહ બરાબર નિહાળવા દે.' સુનંદે કહ્યું.