પૃષ્ઠ:Kanchan Ane Geru.pdf/૨૪૧

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
સિનેમા જોઈને : ૨૩૩
 

સારું સાધન મળશે એમ ધારી ઊંચામાં ઊંચી ટિકિટ ખરીદવા હું ખાસ ટિકિટબારી તરફ ગયો. મેં ટિકિટ માગી. મને જવાબ મળ્યોઃ ટિકિટ બંધ છે.

'બીજી કોઈ કલાસ ની ?' મેં પૂછ્યું.

'ના.. પણ સાહેબ ! આપની ટિકિટ તો લેવાઈ ગઈ છે.' મારા મુખ સામે જોઈ ટિકિટ આપનારે મને કહ્યું. એ માણસ મને ઓળખતો લાગ્યો.

'મારી ટિકિટ વળી કોણે લીધી?' મને આશ્ચર્ય થયું એટલે મેં કહ્યું.

'કેમ ? બહેન ક્યારના આવીને બેઠાં !' ટિકિટ આપનારે કહ્યું.

'બહેન ? મારે કોઈબહેન જ નથી મને ઓળખ્યા વગર આ માણસ કાંઈનું કાંઈ ભરડયે જાય છે શુ ?

'બહેન? બહેન કોણ ? ' મેં જરા ચિડાઈને પૂછ્યું.

'કેમ સાહેબ? આપના ઘરમાંથી વળી ! આપને સીટ બતાવું ચાલો !' ટિકિટ આપનાર કદાચ મને તો ઓળખે ! ઉપરાંત મારા ઘરમાંથી પણ ઓળખે? આપણે ધારીએ એના કરતાં વધારે ઝડપી મુખપરીક્ષા દ્વારરક્ષકો અને ટિકિટ આપનારને હોવી જોઈએ !

ટિકિટ ઑફિસમાંથી નીકળી ટિકિટ આપનારે મને આગળ દોર્યો. આ સંજોગોમાં મારે ના કહી ચાલ્યા જવું એ મૂંઝવણભર્યું કામ હતું. શૂન્ય હૃદયે હું તેની પાછળ પાછળ ચાલ્યો. આખું ચિત્ર- ગૃહ ચિક્કાર ભરેલું હતું. એકાએક અંધારું થયું અને ચિત્ર શરૂ થતાં પહેલાંની જાહેરાતો અને અન્ય ચિત્રટુકડા શરૂ થઈ ગયા. અંધારામાં મારાથી કાંઈ જ દેખાતું ન હતું. પ્રેક્ષકોના પગની અંટેવાળીએ આવતો, બેઠક ન હોય ત્યાં બેસી જવાની તૈયારી કરતો હું એક ખૂણા તરફ દોરાયે ગયો. કોઈનું મુખ દેખાતું ન હતું; માત્ર હાથબત્તીનો પ્રકાશ સહુના પગનું દર્શન કરાવતો હતો.