પૃષ્ઠ:Kanchan Ane Geru.pdf/૨૪૪

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૨૩૬ કાંચન અને ગેરુ
 

અમે ચિત્રગૃહમાં પણ આમ ઝઘડતાં હતાં ! પણ તે કોઈએ જોયું નહિ. ચિત્રગૃહનું અંધારું અને ચિત્ર તરફ ખેંચાતું સહુનું ધ્યાન અનેકાનેક પેટા નાટક ભજવવાની તક આપે છે, એ ચિત્રપટના શોખીનોને અજાણ્યું નથી. ચિત્ર ચાલ્યા કરતું હતું. મેં મારો અડકેલો હાથ વીણાના દેહ ઉપરથી ખસેડ્યો જ નહિ ! વીણાની ચૂંટી – જબરદસ્ત ચૂંટી – ચાલુ જ હતી ! ઘા વાગ્યા પછી ઘાની ભડક અને વેદના સ્થિર બની જાય છે. ચામડી ઊખડે તો ભલે, પણ હાથ ખસેડવો જ નથી એ નિશ્ચય મારા મને કર્યો, અને એ નિશ્ચય મેં પાળી રાખ્યો !

ચુંટીની વેદના કેવી હોય છે એનો પ્રત્યેક પતિને અનુભવ હોવો જોઈએ. ન હોય તો તે અનુભવ લેવા સરખો છે. એ સિવાય લગ્નના જોખમનો ખ્યાલ કદી આવે એમ નથી.

ચિત્ર પૂરું થવા આવ્યું હતું. અદાલતમાં લગ્નવિચ્છેદ માગતાં પતિપત્ની કોઈનાં સમજાવ્યાં સમજતાં ન હતાં ન્યાયાધીશે અંતે લગ્નવિછેદનો ઠરાવ લખ્યો અને પતિપત્ની બંનેને એકલાં પોતાની 'ચેમ્બર'માં બોલાવી ઠરાવ વાંચી સંભળાવ્યો. પતિપત્ની એક બીજાના દુશ્મન હોય એમ એકબીજાની સામે જોઈ રહી છૂટાં પડતાં હતાં, અને સહજ સ્મિત કરી ન્યાયાધીશે કહ્યું : 'આ ઠરાવ તો મેં તમારી પસંદગી અર્થે વાંચી બતાવ્યો. આઠ દિવસ પછી આ અદાલતમાં તમે બંને સાથે આવજો. એ આઠે દિવસ તમે લગ્નવિચ્છેદની માગણી કરી છે એ આખી વાત જ ભૂલી જજો. નવમે દિવસે હું તમારી પસંદ કરેલો ઠરાવ તમને ખુલ્લી અદાલતમાં વાંચી સંભળાવીશ. ત્યાં સુધી તમારું લગ્ન ચાલુ જ છે.'

આઠ દિવસ વીત્યા પછી પતિ પત્ની અદાલતમાં આવ્યાં ખરાં, પરંતુ બંનેએ સાથે જ માગણી કરી કે તેમનું છૂટાછેડાનું આખું કામ રદબાતલ કરવામાં આવે.

ન્યાયાધીશે હસીને પૂછ્યું : 'તો આ લખેલો ઠરાવ ફાડી નાખું ?'