પૃષ્ઠ:Kanchan Ane Geru.pdf/૨૪૬

વિકિસ્રોતમાંથી
દિશાશોધન પર જાઓ શોધ પર જાઓ
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૨૩૮ : કાંચન અને ગેરુ
 

એક 'ટેકસી' ભાડે કરી લીધી, અને મને ઝડપથી અંદર બેસવા વીણાએ ઈશારો કર્યો. હું જરા અટક્યો. મને હજી છૂટાછેડાનો નશો પૂરો ઊતર્યો ન હતો. વીણાએ સહુના દેખતાં મને હડસેલી પહેલો બેસાડ્યો, પછી પોતે બેઠી અને ડૉકટર પાસે મને લઈ ગઈ.

'જુઓને, ડૉકટરે સાહેબ ! આ લોહી હજી બંધ થતું નથી.' વીણાએ જાણે તેની જાતને જ વાગ્યું હોય ચિંતાગ્રસ્ત સાદથી કહ્યું.

'શું વાગ્યું ?... ડૉકટરે મારા હાથ ઉપરનું લોહી લૂછી પાટો બાંધતાં પૂછ્યું.

'ખબર નથી...ખુરશીની ચીમટી ભરાઈ હોય...' મેં કારણો શોધવા માંડ્યાં.

'ભમરી કરડે તો આવું લોહી ન નીકળે...કોઈ હિંસક પ્રાણીના નખ વાગ્યા લાગે છે.' ડોકું હલાવી પાટો બાંધતાં ગંભીરતાપૂર્વક ડૉકટર બોલ્યા. એમની ગંભીરતામાં આછી આંખચમક હતી.

'શું ડોકટર સાહેબ ! તમે પણ? સિનેમા જોઈને પાછા આવીએ છીએ ! કોઈ બિલાડીને મેં ઓછી જ પાસે બેસાડી હશે?' હસીને મેં કહ્યું.

વીણાના મુખ ઉપર પણ અત્યાર સુધી ન જોયેલું સ્મિત મેં નિહાળ્યું, અને શાનો ઘા વાગ્યો હશે એનો નિર્ણય કરવાનું ગંભીર ડૉકટર ઉપર છોડી અમે ઘેર આવી ગયાં.

વીણાએ ઘડીઘડી રાતમાં મારી ખબર રાખ્યા કરી. હવે લોહી બંધ થયું કે નહિ? ચરચરાટ ઘટ્યો કે કેમ? હાથે ઠંડક વળી કે નહિં ? મને ઊંઘ આવશે કે કેમ ? એવા એવા પ્રશ્નોમાં એણે અનિદિત રાત ગુજારી – જોકે મને તો બહુ જ સારી ઊંધ આવી.

બીજે દિવસે ચા પીતાં પીતાં મેં વીણાને પૂછ્યું : 'વીણા ! કાલે આપણે શી બાબતનો ઝઘડો હતો?'

'તને યાદ હોય તો તું જાણે ! મને તો કાંઈ જ યાદ નથી.' વીણાએ કહ્યું.