પૃષ્ઠ:Kanchan Ane Geru.pdf/૨૫૧

વિકિસ્રોતમાંથી
Jump to navigation Jump to search
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
મને વખત નથી : ૨૪૩
 

નવસારીની જિલ્લા રચનામાં વલસાડ અંતે ફાવી જવાનું છે એમ લોકો કહે છે, એ વિશે ભગવાનદાસભાઈ કાંઈ પ્રકાશ પાડશે કે કેમ? વગેરે પ્રશ્નો પૂછવાના તો હોય જ. સ્વરાજ્ય આવ્યા પછી પ્રશ્નો ઠીક ઠીક વધી રહ્યા છે, એટલે ખબરપત્રી તરીકે મારે તેમની પાસે રોજ જવું – આવવું થાય જ. મારો અને તેમનો અંગત સંબંધ પણ વધતો જતો હતો. તેમનાં ઘરનાં સ્ત્રી-બાળક વર્ગ સાથે પણ મારો પરિચય ગાઢ બનતો જતો હતો.

સ્વરાજયની લડતમાં પરદેશીઓને સીધી ગાળ દઈ તાળીઓ પડાવતા ભગવાનદાસભાઈ હવે જવાબ આપવામાં કે પોતાનાં નિવેદનો ઘડાવવામાં ભવ્ય મુત્સદ્દીગીરીએ પહોંચી ગયા હતા એ પણ મારા ધ્યાનમાં આવતું જતું હતું. ડાંગની ભાષા ગુજરાતી જ છે એવાં ભાષણો કરી કરાવી, લેખ લખાવી, અભ્યાસો ઉકેલાવી અને મુંબઈ સરકારે ડાંગને મરાઠી ભાષાના ઝંડા નીચે ખેંચી બાંધી આણ્યું ત્યારે બેનમૂન અને અપૂર્વ સંયમ દર્શાવી ભગવાનદાસભાઈએ જે વાક્ અને કલમની શાન્તિ પકડી એ જોતાં, અને બહુ ખેંચપકડ થતાં તેમણે કોઈને પણ ન સમજાય એવું મારી પાસે લખાવેલું નિવેદન – જેની નીચે અલબત્ત એમણે સહી ન જ કરી – એ જોતાં, મારી ખાતરી થઈ કે હિંદનું રાજકીય ભાવિ આવા મુસદ્દગીરીઓના હાથમાં ઉજ્જવલ અને ઉજ્જવલ થતું જવાનું છે. ગાંધીજીની આકરી સત્યનિષ્ઠામાં એક જ ભયંકર ખામી હતી. એમાં મુસદ્દીગીરીનો સંપૂર્ણ અભાવ હતો. એ અભાવને લઈને ગાંધીજીએ પોતાનો પ્રાણ ગુમાવ્યો ! ગાંધીજીને પગલે ચાલતાં તેમના અનુયાયીઓએ ગાંધીજીની એ ભૂલ સુધારી સત્યને મુત્સદ્દીગીરીમાં વીટાળવા માંડ્યું છે. અરે ! એટલું જ નહિ, એના ઉપર પોલીસ પહેરો પણ બેસાડી દીધો છે ! એટલે હિંદના મુદ્રાલેખ અનુસાર 'સત્યનો જય' થવાનો જ છે. હવે પરદેશીઓ સામે રાજનીતિની પટાબાજી ખેલવાની સફળ રાજકલા હિંદને આવડી જશે.